Gujarat

આંગડિયાના કર્મચારી પાસેથી રૃા. ૨૪ લાખની ચોરી કરી આવેલા ત્રણ શખ્સો ઝડપાયા

By GS TEAM
20 Jun 20252 mins read
આંગડિયાના કર્મચારી પાસેથી રૃા. ૨૪ લાખની ચોરી કરી આવેલા ત્રણ શખ્સો ઝડપાયા

અમદાવાદ,શુક્રવાર

રથયાત્રાને લઇને પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને નાના ચિલોડા પાસે નાકાબંધી કરીને નરોડા પોલીસ વાહન ચેકિંગ વખતે થેલો લઈને શહેરમાં પ્રવેશતા પોલીસને શંકા જતા ત્રણેય શખ્સોની અટકાયત કરીને  તપાસ કરતા થેલામાંથી રોકડા રૃા. ૨૪લાખ મળી આવ્યા હતા. પૂછપરછ કરતા ઉતરપ્રદેશમાં આંગડીયા પેઢીના કર્મચારીની રેકી કરી તેની નજર ચૂકવી રૃા.૨૪ લાખની ચોરી કરીને તેઓ ઓઢવ ભાગ પાડવા જતા  પહેલા પોલીસે ઝડપી પાડયા છે. જો કે એક આરોપી ફરાર છે.  નરોડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને ઉતરપ્રદેશ પોલીસને સોંપવાની કામગીરી હાથધરી છે.

અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરના આરોપીઓએ રેકી કરી ઉત્તરપ્રદેશમાં બરેલીથી દિલ્હી જતી બસમાંથી આંગડિયા કર્મચારીના રૃપિયા ભરેલા થેલાની ચોરી કરેલી

રથયાત્રાને પગલે પોલીસ ઠેર ઠેર વાહન ચેકિંગ કરી રહી છે. જેના ભાગરૃપે નાના ચિલોડાથી અમદાવાદમાં પ્રવેશવાના રસ્તા પર નરોડા પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે ત્રણ શંકાસ્પદ શખ્સો ખભે થેલો લટકાવીને આવી રહ્યા હતા. પોલીસને શંકા જતા ત્રણેય શખ્સોને અટકાવીને તેમની પાસે રહેલા થેલાની તલાશી કરતા તેમાંથી ૫૦૦ અને ૨૦૦ના દરના નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે રૃપિયાની ગણતરી કરતા કુલ રૃા. ૨૪ લાખ રૃપિયા તથા ૧૭ હજારના મોબાઈલ ત્રણ ફોન મળીને કુલ રૃા.૨૪.૧૮ લાખનો મુદ્દામાલ મળતા કબ્જે કર્યો હતો. 

ત્યારબાદ  પૂછપરછ કરતા તેમના ઓઢવમાં ગુરુદ્વારા પાસે રહેતા ભાવેશ મહેરિયા, વિષ્ણુજી રાઠોડ અને અશોકકુમાર ચાવડા હોવાનું બહાર આવ્યુ હતું વધુ તપાસ કરતા ઉત્તરપ્રદેશમાં આંગડીયા પેઢીના કર્મચારીની આરોપીઓએ રેકી કરીને તા.૧૭ ના રોજ બરેલીથી દિલ્હીથી જતી બસમાંથી કર્મચારીની નજર ચૂકવી રૃપિયા ભરેલ થેલાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અને અન્ય વાહનમાં બેસીને અમદાવાદમાં ઓઢવમાં જઇને રૃપિયાનો સરખા ભાગલા પાડવાના હતા. જો કે દેવું થઇ જતાં  ચોરીનો પ્લાન ઘડયો હતો. નરોડા પોલીસે ફરાર આરોપી રોહન પરમારની શોધખોળ હાથ ધરી છે.