કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત
૩૦ ટકા વ્યાજ વસૂલી વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોરો હેરાન કરીને ટોર્ચર કરતા
અમદાવાદ,શુક્રવાર
ઓઢવમાં રહેતા અને એમ્બ્રોડરીનો વ્યવસાય કરતા વેપારીને આથક તંગી સર્જાઇ હતી જેથી મશીન ઉપર વ્યાજે રૃપિયા લીધા હતા જો કે વેપારીએ ૮ લાખ રૃપિયા વ્યાજ સહીત ચૂકવ્યું હોવા છતાં વ્યાજખોરો વેપારી પાસેથી ૩૦ ટકા વ્યાજની વસૂલાત કરતા હતા. વ્યાજની વારંવાર ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરીને ટોર્ચર કરતા હોવાથી આખરે કંટાળીને વેપારીએ કઠવાડા જીઆઇસીમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને ચિઠ્ઠીમાં પાચ લોકોના નામ લખીને પોતાના બેટા મને માફ કરજો લખ્યું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
એમ્બ્રોડરીના બે મશીન ઉપર બે લાખ આપ્યા, ૮ લાખ વ્યાજ લઇને મશીન લખાવી લીધા ઃ ઓઢવ પોલીસે પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઓઢવમાં રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ ઓઢવમાં ફાયર બ્રિગેડની સામે એમ્બ્રોડરીના મશીન ધરાવી ધંધો કરતા હતા. ગઇકાલે સવારે તેઓ ઘરેથી કામ ધંધે જવાનું કહીને નીકળ્યા હતા. બપોરે ફરિયાદીના દિયરે ફોન કરીને કહ્યું કે ભાઈએ કઠવાડા જીઆઇડીસીમાં ઝેરી દવા પી લીધી છે જેથી ફરિયાદી હોસ્પિટલ પહોચ્યા ત્યારે તેમના પતિ બેભાન હાલતમાં હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતકના દીકરાએ તેમના ખિસ્સામાં તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી તેમાં લખ્યું હતું કે બેટા મને માફ કરજો હું વ્યાજખોરો એ મારી પાસે ૩૦ ટકા વ્યાજ લઈને મારા મશીન લખાવી લીધા છે એટલે હું આત્મહત્યા કરી રહ્યો છે. ઉપરાંત બે મશીન પર બે લાખ રૃપિયા આપ્યા હતા અને વ્યાજ માંગી રહ્યા છે. રૃપિયા ૭થી ૮ લાખ વ્યાજ ભર્યું છે તેમ છતાં ૧૫ દિવસનું ૧૦ ટકા વ્યાજ લેતા હતા. આ તમામ લોકોથી હું કંટાળી ગયો હોવાથી આ પગલું ભરી રહ્યો છું. આ ઘટના અંગે ઓઢવ પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી ચિઠ્ઠી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.