અશોકમીલ પાસે રિક્ષા ચાલકે છરી બતાવી યુવકને લૂંટયો
પૂર્વમાં શટલ રિક્ષા ચાલકો પેસેન્જરને બેસાડીને માર મારી લૂંટી લેવાના વધતા બનાવો
શહેરકોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
અમદાવાદ, સોમવાર
રસોઇનું કામ કરતો યુવક સુરત જવા શાહીબાગ નમસ્તે સર્કલથી રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જતો હતો. ત્યારે શટલ રિક્ષા ચાલકે અશોકમીલ પાસે અવાવરુ સ્થળે લઇ જઇને સાગરિત સાથે મળીને છરી બતાવીને યુવક પાસેથી રૃા. ૨,૧૦૦ લૂંટી લીધા હતા. જેથી ડરનો માર્યો યુવક ચાલું રિક્ષામાંથી કૂદી પડયો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે રિક્ષા ચાલક સામે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જવા નમસ્તે સર્કલથી કાલુપુર જતો હતો જે પણ પૈસા હોય તે આપી દે કહી લૂંટી લેતા ચાલુ રિક્ષામાં કૂદી પડયો ઃ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
ચાંદલોડીયામાં રહેતા અને રસોઇનું કામ કરતા દિનેશકુમાર (ઉ.વ.૩૦)એ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં શટલ રિક્ષા ડ્રાઇવર અને તેના સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેમને સુરત જવાનું હોવાથી રાતના ૮ વાગે શાહીબાગ નમસ્તે સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે શટલ રિક્ષામાં બેસીને જઇ રહ્યા હતા જ્યાં રિક્ષામાં એક પેસેન્જર પહેલેથી બેઠેલો હતો.
કાલુપુર રેલવે સ્ટેશનના બદલે નરોડા રોડ ઉપર અશોકમીલના નેળિયા પાસે અવાવરુ સ્થળ ઉપર રિક્ષા ધીમી કરીને છરી બતાવીને શ્રમજીવી યુવકને ધમકી આપી હતી કે તારી પાસે જે પણ રૃપિયા હોય એ આપી દે કહીને રિક્ષા ચાલક અને તેના સાગરિતે યુવકને માર માર્યો હતો ત્યારબાદ બન્ને જણાએ તેમની પાસેથી રૃા. ૨,૧૦૦ લૂંટી લીધા હતા. આગળ જતા રિક્ષા ધીમી પડતા યુવક ચાલું રિક્ષામાંથી કૂદી પડતા રિક્ષા ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે રિક્ષા ચાલક સહિત બે લોકો સામે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.