ભાજપના મંત્રી બગડ્યા, ફૂલ-હારના સ્વાગતના આડંબર કર્યા વિના વડગામ બેઠક જીતાડી હોત તો સારું થાત
વરણાવાડામાં સ્થાનિકોએ જગદીશ વિશ્વકર્મા સમક્ષ પાણી સહિતના મુદ્દે રજૂઆત કરી
સહકાર મંત્રી વિશ્વકર્માએ કહ્યું તમે કોંગ્રેસને આ સીટ જીતાડીને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે
image- facebook
વડગામ, 17 ડિસેમ્બર 2022, શનિવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ફરીવાર ભાજપની સરકાર શાસનમાં આવી છે. ત્યારે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડગામના વરણાવાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિકોને કહ્યું હતું કે, વડગામની બેઠક કોંગ્રેસને જીતાડીને તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો વધુ ખુશી થઈ હોત. આજે આ બેઠક ભાજપને નથી મળી તેનો રંજ છે.
સ્થાનિકોએ પાણી સહિતના મુદ્દાની રજૂઆત કરી
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે વડગામના વરનાવાડાની મુલાકાતે ગયાં હતાં. ત્યાં સ્થાનિકો સાથે તેમણે ચર્ચાઓ કરી હતી. તેમની સમક્ષ સ્થાનિકોએ પાણી સહિતના મુદ્દાઓની રજૂઆત કરી હતી. જગદીશ વિશ્વકર્માએ લોકોને મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવાની ખાતરી આપી હતી.
વડગામની બેઠક જીતાડી હોત તો વધુ ખુશી થાત
જગદીશ વિશ્વકર્માએ સ્થાનિકોને કહ્યું હતું કે, આ વખતે તમે લોકોએ વડગામની બેઠક ના જીતાડી તેનો રંજ છે. કોંગ્રેસને આ બેઠક જીતાડીને તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. હું અહીં આવ્યો છું અને મારા સ્વાગતમાં આ ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો વધારે ખુશી થઈ હોત. તેમના આ નિવેદન બાદ લોકોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક શરૂ થઈ ગયાં હતાં.