કરદાતાની જૂની આકારણી પૂરી ન થાય ત્યાં સુધી રિફંડ નહિ અપાય
આવકવેરા ખાતું બોગસ રિફંડ ક્લેઈમને રોકવા સક્રિય
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના રિટર્ન ફાઈલ કરી દેનારા કરદાતાના રિટર્નની ચકાસણી કરી લીધી હોવા છતાંય તેમના રિફંડની રકમ રીલીઝ કરવામાં આવી રહી નથી. આ કરદાતાઓના જૂના રિટર્નની આકારણી ન થઈ જાય ત્યાં સુધી તેમના નવા રિટર્નના મળવાપાત્ર રિફંડના નાણાં રીલીઝ કરવામાં આવશે નહિ.
કરદાતાઓના જૂના રિટર્નની આકારણી પૂરી નહિ થાય અને તેની સંપૂર્ણ ચકાસણી પૂરી નહિ થાય ત્યાં સુધી તેમને રિફંડના નાણાં આપવામાં આવશે નહિ. આવકવેરાના રિટર્ન ફાઈલ કરીને રિફંડ પેટે ચોક્કસ રકમની માગમીઓ કરવામાં આવી રહી છે. રિફંડના બોગસ ક્લેઈમને રોકવાના ઇરાદા સાથે પ્રસ્તુત પગલું લેવામાં આવ્યું હોવાનું આવકવેરાના નિષ્ણાતોનું કહેવું છ.
આવકવેરા ખાતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કરદાતાના જૂના રિટર્નની ચકાસણી કે ખરાઈ કરી રહ્યું છે. ૩૦મી મે ૨૦૨૫ના અંત સુધીમાં આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ના ૭૫ લાખથી વધુ રિટર્ન ફાઈલ કરી દેવામાં આવેલા છે. તેમાંથી અંદાજે ૭૧ લાખ રિટર્નનું ઇ-વેરિફિકેશન થઈ ગયું છે.
આ વરસે આવકવેરાના રિટર્નને પ્રોસેસ કરવામાં અને રિફંડ આપવામાં લાંબો સમય લાગી જવાની શક્યતા છે. કારણ કે આવકવેરા ખાતું કરદાતાના જૂના રિટર્નને ચકાસી લે તે પછી જ નવા રિટર્નને ફાઈનલ કરીને કરદાતાને નવા રિટર્ન હેઠળ આપવા પાત્ર રિફંડ આપવામાં આવશે. આ વરસે આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મ નંબર ૨,૫,૬ અને ૭ અપલોડ કરવામાંખાસ્સો વિલંબ થયો હોવાથી પણ રિટર્ન મોડા ફાઈલ થશે. આજ કારણસર રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૫ દિવસ લંબાવીને ૧૫મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. તેથી રિફંડ મળવામાં વિલંબ થશે. જોકે અત્યાર સુધીમાં રિટર્ન ફાઈલ કરી ચૂકેલા કરદાતાઓ તેમના રિફંડ આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.