Get The App

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા 1 - image


જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની પૂર્ણહુતી થઈ રહી છે, ત્યારે સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ દાંડીયા ખેલૈયાઓ માટે વિઘ્ન ઊભું કર્યું હતું. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રેના 9:30 વાગ્યા બાદ ફરીથી ધીમીધારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને ફક્ત બે કલાક સુધી છૂટોછવાયો વરસાદ અવિરત ચાલુ રહેવાના કારણે અનેક સ્થળે દાંડિયા મહોત્સવના આયોજનમાં વિક્ષેપ પડ્યો હતો, અને દાંડિયા રસિકો અંતિમ દિવસોમાં નિરાશ થયા હતા. 

નાની મોટી ગરબીમાં નાની બાળાઓને લ્હાણી વિતરણ વગેરેના કાર્યક્રમો વરસાદની વચ્ચે આટોપી લેવા પડ્યા હતા, તો અર્વાચીન રાસ મહોત્સવમાં પણ દાંડિયા ખેલૈયાઓઓ વરસાદી ઝાપટાંની વચ્ચે રાસ રમવાનો વારો આવ્યો હતો. 

જામનગર શહેરમાં ગઈકાલે તેજ રફતારથી પવનની સાથે સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા અવિરત ચાલુ રહ્યા હતા. જો કે મોડી સાંજે મેઘરાજા એ વીરામ રાખ્યો હતો, પરંતુ રાત્રીના 9:30 વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી અનેક વખત ઝાપટાં વરસ્યા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે જોડિયા અને લાલપુરમાં સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. કાલાવડ અને જામજોધપુરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Tags :