ગાંધીનગરમાં IT ત્રાટકી, મોટા ગજાના નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 ઠેકાણે દરોડા

Income Tax Raid: ગુજરાતમાં રજિસ્ટર્ડ, પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે, જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ રૂ. 957 કરોડની આવક સાથે ટોચ પર છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બુધવારે (12 નવેમ્બર) વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે.
નાણાંકીય ગણિત અને પક્ષોનો દરજ્જો
જે પક્ષોને ચૂંટણીમાં ખૂબ ઓછા મત મળે છે, તેમને 'રજિસ્ટર્ડ અમાન્ય' પક્ષો કહેવાય છે. આ પક્ષો ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ હોય છે, પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના આવા પાંચ પક્ષોને કુલ 17 ઉમેદવાર ઊભા રાખવા છતાં માત્ર 22 હજાર મત મળ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમિકા ભજવતા હોવાની શંકા, હાલમાં બિહાર પહોંચ્યા
ADRના રિપોર્ટ મુજબ, 2019-20 થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક રૂ. 2316 કરોડ છે, જ્યારે એક વર્ષની સરેરાશ આવક રૂ. 1158 કરોડ છે.
ITના દરોડા
સૌથી વધુ કમાણી કરનાર 'ભારતીય નેશનલ જનતા દળ'ના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગરના નિવાસ સ્થાને બુધવારે વહેલી સવારે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે દરોડો પાડ્યો હતો. આ સિવાય, આઇટી ટીમે તેમની સેકટર-11, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો હતો. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

