ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા
અમદાવાદ,ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને જૂનાગઢમાં ઊભા થયેલા રાજકીય પક્ષોને આવરી લીધા
ગાંધીનગરમાં સેક્ટર ૨૬માં આવેલી નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાની ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં આવેલી એનસીપીની ઓફિસ સહિત અને બાપુનગરની જનશક્તિ પાર્ટી સહિતના ગુજરાતના છ શહેરમાં સક્રિય રાજકીય પક્ષોની ઓફિસો પર આજે સવારથી આવકવેરા અધિકારીઓની ટીમ ત્રાટકી છે. આ પક્ષો રાજકીય ડોનેશન લઈને ચોક્કસ ટકાનો કટ રાખીને પછી દાતાઓને મની લૉન્ડરિંગ કરવાની તક આપતા હોવાનું જાણવા મળ્યું છે. આ રકમ તેઓ આવકમાંથી બાદ પણ મેળવી લેતા હતા. તેની સાથે જ મોટી કરચોરી પણ થતી હોવાથી આ દરોડા પાડવામાં આવ્યા હતા. એકલા અમદાવાદમાં દસથી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.
આજે પાડવામાં આવેલા દરોડા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને જૂનાગઢમાં સક્રિય થયેલા રાજકીય પક્ષની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા ખાતું છેલ્લા પાંચેક વર્ષથી પોલીટિકલ ડોનેશન લેનારા રાજકીય પક્ષના નાણાંકીય વહેવારો અને તેમને મળતા ડોનેશનની રકમ પર નજર રાખી રહ્યું છે. ગાંધીનગરમાં નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાની સેક્ટર ૨૬માં આવેલી ઓફિસ પર, કિસાન નગરના રહેઠાણ તથા મેઘમલ્હાર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમ જ તેના ડ્રાઈવરના મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા ડોનેશનને લગતાં કાગળિયાઓ ઉપરાંત તેમણે રોકડમાં કરેલા વહેવારોની લગતા કાચા ચિઠ્ઠાઓ મળી આવ્યા છે. સ્થાનિક કે રાજ્ય અથવા તો રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં ઝૂકાવ્યા પછી નક્કી કરેલા ધોરણો અને નિયમો પ્રમાણેના મત ન મેળવ્યા હોય તેવા પક્ષને અમાન્ય ઠેરવવામાં આવે છે. છતાંય ડોનેશન લઈને કટ કાપી લઈને મની લૉન્ડરિંગની પ્રવૃત્તિ તેમના દ્વારા ચાલુ રાખવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા આવકવેરા ખાતાએ પોલીટિકલ ડોનશન આપનારાઓને ઝપટમાં લીધા પછી હવે પોલીટિકલ ડોનેશન લેનારા રાજકીય પક્ષોને ઝપટમાં લીધા છે. તેમની પાસેથી કરોડાના આર્થિક વહેવારો અને કરની ચોરીની વિગતો મળી આવવાની આશા રાખવામાં આવી રહી છે.

