કર્નલ સોફિયા કુરેશીના પિતા કહે છે કે પીઓકે આંચકી લેવાનો સમય આવી ગયો છે
વડોદરાઃ ઓપરેશન સિંદૂર અંગે ભારત વતી દેશને જાણકારી આપનાર ભારતીય સેનાના કર્નલ અને વડોદરાના રહેવાસી સોફિયા કુરેશી તરફ આખા દેશનું ધ્યાન ખેંચાયું હતું ત્યારે તાંદલજા વિસ્તારમાં રહેતા તેમના પરિવારના ચહેરા પર પણ ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઈકની ખુશી ઝલકતી હતી.
સોફિયાના પિતા તાજ મહોમ્મદ કુરેશીએ કહ્યું હતું કે, મારી પુત્રી જે પણ કરી રહી છે તે રાષ્ટ્ર માટે કરી રહી છે.આપણે હિન્દુ અને મુસ્લિમ કરતા ભારતીય પહેલા છે તે યાદ રાખવું જોઈએ.સોફિયાને જ્યારે ભારતીય સેનામાં જોડાવું હતું ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, પહેલા દાદા અને પછી તમે સેનામાં ફરજ બજાવી ચૂકયા છો તો હવે ઘરમાંથી હું સેનામાં ભરતી થઉં?મેં તરત જ તેને હા કહી દીધી હતી.અમારી ત્રીજી પેઢી સેનામાં છે તેનો ગર્વ છે.આજે ભારતે પાકિસ્તાન પર જે રીતે હુમલો કર્યો છે તે જોઈને થાય છે કે, મારા પરિવારનો જે હેતું હતો તે પૂરો થયો છે.
પાકિસ્તાન અંગે તાજ મહોમ્મદ કુરેશીએ કહ્યું હતું કે, આ કાયર દેશ અંગે કશું પણ કહેવું બેકાર છે.હવે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર આંચકી લેવાનો સમય આવી ગયો છે.ત્યાંના લોકો પણ આપણા છે અને તેમને મુક્ત કરાવવાની આપણી ફરજ છે.મને આશા છે કે, પીએમ મોદીના કાર્યકાળમાં જ સેના આ મિશન પણ પુરુ કરશે.
સોફિયા પીએચડી કરવાની હતી અને આર્મીમાં જોડાઈ
સેના પ્રત્યેના પ્રેમના કારણે યુએનઓમાં જોડાવાની ઓફર ઠુકરાવી દીધી
સોફિયાના ભાઈ કહે છે કે, પાકિસ્તાનના વધું ટુકડા કરવાનો સમય આવી ગયો છે
સોફિયાના ભાઈ મહોમ્મદ કુરેશીએ જેનેટિક એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે પરંતુ તે અત્યારે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.
તેમનું કહેવું હતું કે, સોફિયા એક વખત જે કામ હાથમાં લે તે પૂરુ કર્યા વગર રહેતી નથી.કદાચ આર્મીમાં આગળ વધવામાં તેને આ જ ગુણ કામમાં લાગ્યો છે.આઠ વર્ષની હતી ત્યારે સાયકલ શીખતી વખતે સાયકલ પરથી પડી ગઈ હતી અને તેનો પગ તુટયો હતો.પણ બીજા દિવસે તે પગમાં પ્લાસ્ટર છતા પણ સાયકલ પર બેસી ગઈ હતી.કોંગો સહિતના દેશોમાં યુએનની પીસ કિપિંગ ફોર્સમાં ફરજ બજાવ્યા બાદ યુએન તરફથી તેને નોકરીની ઓફર હતી પરંતુ આર્મી પ્રત્યેના પ્રેમના કારણે આ ઓફર તેણે ઠુકરાવી હતી.તે વખતે મહિલા ઓફિસરો માટે આર્મીમાં નોકરીનો સમયગાળો ઓછો હતો.તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મહિલા અને પુરુષ અધિકારીઓને સમાન ગણવા માટે આપેલા ચુકાદામાં પણ સોફિયા કુરેશીનો ઉલ્લેખ કર્યો છે. સોફિયાની મૂળ યોજના તો બાયોકેમેસ્ટ્રીમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ પીએચડી કરવાની હતીપરંતુ નિર્ણય બદલીને તે ભારતીય સેનામાં જોડાઈ હતી.
પાકિસ્તાન અંગે તેમનું કહેવું હતું કે, પાકિસ્તાનમાંથી જે રીતે ભારતે બાંગ્લાદેશ બનાવ્યું હતું તેવી જ રીતે હવે પાકિસ્તાનના બીજા ટૂકડા કરવાનો સમય આવી ગયો છે.ભારતે સંદેશ આપી દીધો છે કે ભારત સામે પાકિસ્તાન નજર ઉઠાવીને જોશે તો તેની આંખો કાઢી લેવામાં આવશે.
રિસર્ચમાં રસ હતો, વિદ્યાર્થીઓને ભણાવ્યું પણ હતું
યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના અધ્યાપક અને ૧૯૯૫ થી ૧૯૯૭ દરમિયાન સોફિયા કુરેશી સાથે અભ્યાસ કરનાર દેવેશ સુથારે કહ્યું હતું કે, સોફિયા ભણવામાં પહેલેથી તેજસ્વી હતી.તેને આગળ રિસર્ચ કરવું હતું અને થોડા સમય માટે તેણે ટીચિંગ આસિસટન્ટ તરીકે પણ કામ કર્યું હતું.જોકે તે આર્મીની એન્ટ્રન્સ પરીક્ષામાં પાસ થઈ જતા તે આર્મીમાં જોડાઈ ગઈ હતી.અમે તમામ બેચમેટે તેમનુ બ્રિફિંગ લાઈવ જોયું હતું. ફેકલ્ટી માટે અને યુનિવર્સિટી માટે ખરેખર આ ગર્વની ક્ષણ છે.
જાન્યુઆરીમાં ફેકલ્ટીની મુલાકાત લીધી હતી
બાયોકેમેસ્ટ્રી વિભાગના હેડ પ્રો.રત્ન પ્રભાએ કહ્યું હતું કે, કર્નલ સોફિયાને ફેકલ્ટી અને ડિપાર્ટમેન્ટ માટે ઘણો લગાવ છે.તેઓ ગત જાન્યુઆરી મહિનામાં ફેકલ્ટી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની મુલાકાતે આવ્યા હતા.તેમણે અમારી સાથે એકાદ કલાક જેટલો સમય પસાર કર્યો હતો.જોકે તે આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટમાં નહોતા એટલે વિદ્યાર્થીઓ સાથે અમે તેમને મુલાકાત કરાવી શક્યા નહોતા.
સેનામાં જોડાવા બધા તૈયાર નહીં થાય તો દેશની રક્ષા કોણ કરશે?
સોફિયાના માતા અલીમા કુરેશીએ કહ્યું હતું કે, મારી પુત્રી નાનપણથી બહું જ ઈમાનદાર અને મહેનતું રહી છે.તેણે સેનામાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે મેં પણ તેને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.તેને અમે સેનામાં મોકલી તે કેટલાક લોકોને નહોતું ગમ્યું પરંતુ આજે તેમના જ અભિનંદન આપતા ફોન આવી રહ્યા છે.સેનામાં જો કોઈ જોડાવા તૈયાર નહીં થાય તો દેશની રક્ષા કોણ કરશે?
કર્નલ સોફિયા સાથે પરિવારજનોની વાત થઈ
સોફિયાના ભાઈએ કહ્યું હતું કે, મીડિયા બ્રિફિંગ બાદ સોફિયા સાથે બે મિનિટ માટે મારી વાત થઈ હતી અને તે વખતે તેણે ભારતના હુમલાને બીરદાવીને મને કહ્યું હતું કે, કેસા લગા? જ્યારે સોફિયાના માતાએ કહ્યું હતું કે, સોફિયાએ મને ફોન પર કહ્યું હતું કે, ટીવી ચાલુ કર્યું કે નહીં..અમને તે ટીવી પર જાણકારી આપવાની છે તેની બિલકુલ જાણકારી નહોતી.
સોફિયાનો પુત્ર પણ એરફોર્સમાં જોડાવા માગે છે
પરિવારજનોએ કહ્યું હતું કે, સોફિયાના પતિ મેજર તાજુઉદ્દીન કુરેશી ભારતીય સેનામાં છે અને સોફિયાનો પુત્ર સમીર પણ એરફોર્સમાં જોડાવા માગે છે.આ માટે તેણે પરીક્ષા આપવાની અને બીજી તૈયારી પણ શરુ કરી દીધી છે.
સોફિયા ગુજરાતી પણ કડકડાટ બોલે છે
સોફિયાના પિતાએ કહ્યું હતું કે, મને વડોદરામાં પોસ્ટિંગ મળ્યું તે પછી બીજી જગ્યાએ પણ ટ્રાન્સફર થયો હતો પણ મેં પરિવાર સાથે વડોદરામાં જ રહેવાનું પસંદ કર્યું હતું.મને ગુજરાતી બરાબર નથી આવડતું પણ સોફિયા કડકડાટ અને ઘણુ સારુ ગુજરાતી બોલી શકે છે.તેણે વડોદરામાં ઘર લીધું છે.