Get The App

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો 1 - image

દૂધસાગર રોડ પર પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ : ઈન્સ્ટાગ્રામ મારફત સંપર્કમાં આવતાં પ્રેમ પાંગર્યો હતોઃ મૃતક મહિલા તરફડીયા મારતા પાણી માંગતી રહી

રાજકોટ, : દૂધસાગર રોડ પરની આકાશદિપ સોસાયટી શેરી નં. 8માં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા કવાર્ટરમાં રહેતી બહેનપણી જલ્પા પીઠવાને ત્યાં ગયેલી નિલેશ્વરીબેન (ઉ.વ. 28)ની ગઈકાલે બપોરે તેના પતિ યોગેશ બાબુભાઈ માવલા (રહે. ભગવતીપરા મેઈન રોડ, ધરમનગર)એ છરીના દસેક ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ભાગી ગયેલા યોગેશને એસઓજીએ ઝડપી થોરાળા પોલીસના હવાલે કરતાં તેની વીધિવત ધરપકડ કરાઈ હતી. 

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે અમદાવાદની નિલેશ્વરી છેલ્લા પાંચેક વર્ષથી દૂધસાગર રોડ પર રહેતી હતી. તે વખતે ઈન્સ્ટાગ્રામ મારફત યોગેશના સંપર્કમાં આવતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરિણામે સાડા ચારેક વર્ષ પહેલાં બંનેએ લવમેરેજ કરી લીધા હતા. છેલ્લા પખવાડીયાથી યોગેશ દારૂ પી પત્ની નિલેશ્વરીને મારકૂટ કરતો હતો. જેને કારણે છેલ્લા ચારેક દિવસથી તે રિસામણે જતી રહી હતી. ચાર દિવસ દરમિયાન કયા રહી તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ આ દિવસો દરમિયાન ન્હાવા માટે અને ફ્રેશ થવા માટે હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી બહેનપણી  જલ્પાને ત્યાં જતી હતી. 

ગઈકાલે બપોરે પણ તે ન્હાવા માટે જલ્પાના ઘરે ગઈ હતી. તે વખતે બંને હોલમાં બેસી વાતો કરતી હતી. જે દરમિયાન નિલેશ્વરીએ રડતાં-રડતાં  કહ્યું કે યોગેશ દારૂ પીને મને દરરોજ હેરાન-પરેશાન કરી મારકૂટ કરે છે. એવામાં ત્યાં યોગેશ પોતાના ટુ વ્હીલર ઉપર ઘસી આવ્યો હતો. આવીને તેણે નિલેશ્વરીને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જલ્પાએ રહેવા દે રહેવા દે કહ્યું હતું પરંતુ યોગેશ છરીના ઘા ઝીંકતો રહ્યો હતો. તેના પિતા બિપીનભાઈ વચ્ચે પડતાં તેને પણ યોગેશે છરીનો ઘા ઝીંકી દીધો હતો. એટલું જ નહીં વચ્ચે પડીશ તો તને પણ મારી નાખીશ તેમ કહી ધકકો મારી નીચે પાડી દીધા હતા. 

ત્યાર પછી યોગેશ છરી લઈ પોતાના ટુ વ્હીલર પર બેસી ભાગી ગયો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતી નિલેશ્વરી પાણી આપો પાણી આપો તેવી બૂમો પાડતી-પાડતી બેભાન બની જતાં તેને સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેણે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. થોરાળા પોલીસે તેના ભાઈ પ્રથમસિંહ ઉર્ફે પથુભા શક્તિસિંહ ઝાલા (ઉ.વ. 24, રહે. વિશ્રામ પાર્ક સોસાયટી, અમદાવાદ)ની ફરિયાદ પરથી તેના બનેવી યોગેશ સામે ગુનો દાખલ કર્યો હતો.  રિસાઈને તે પરત ઘરે નહીં જતાં પતિ યોગેશે હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.