Gujarat

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દાવો

By GS TEAM
20 Aug 20251 min read
કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દાવો

  અમદાવાદ,બુધવાર,20 ઓગસ્ટ, 2025

વર્ષ-૨૦૧૨ પછી અમદાવાદમાં પહેલી વખત વૃક્ષ ગણતરીની કામગીરી શરુ કરાઈ છે.સાર આઈ.ટી.રીસોર્સ નામની એજન્સીએ પાંચ મહીનામાં છ લાખ વૃક્ષોની ગણતરી કરી હોવાનો રિક્રીએશન કમિટીના ચેરમેને દાવો કર્યો છે.જો કે ગણતરી કરવામાં આવેલા વૃક્ષો પૈકી કયા પ્રકારના કેટલા વૃક્ષો છે, કેટલા વર્ષ જુના છે વગેરે જેવી માહીતી તેઓ આપી શકયા નહોતા. ઉપરાંત ચોમાસાના કારણે વૃક્ષ ગણતરીની કામગીરી ધીમી પડી હોવાનુ કારણ તેમણે આગળ ધર્યુ હતુ.

અમદાવાદમાં વૃક્ષ ગણતરી માટે પ્રતિ વૃક્ષ આઠ રુપિયા એજન્સીને આપવાનો નિર્ણય કરાયો છે.ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, માર્ચ મહીનાથી અત્યારસુધીમાં એજન્સીએ વિવિધ વિસ્તારમાં આવેલા છ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરી છે.એજન્સીને છ મહીનામાં વૃક્ષ ગણતરીની કામગીરી પુરી કરવા અંગે જે તે સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો.કુલ ૨૫ લાખ વૃક્ષની ગણતરી કરવાની કામગીરી સામે પાંચ મહીનામાં છ લાખ વૃક્ષોની ગણતરી કરાઈ હોવાથી ફરી એક વખત એજન્સીને સમયમર્યાદામા વધારો કરી આપવા દરખાસ્ત રજૂ કરાશે એ નિશ્ચિત બન્યુ છે.દરેક વૃક્ષને યુનિક નંબર આપવાની સાથે કયા વૃક્ષનો શું ઉપયોગ કરી શકાય એ પ્રકારની માહીતી ચેરમેન પાસેથી મળી શકી નહોતી.આ વર્ષે શહેરમાં એવો ભારે વરસાદ હજુ સુધી થયો નથી.કે જે કારણથી વૃક્ષ ગણતરીની કામગીરી ધીમી પડે.