Get The App

'બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે'

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
'બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે' 1 - image


સરદાર જયંતીએ જૂનાગઢના કાનમાં ગુંજતા લોખંડી પુરૂષના શબ્દો : 'સરદાર' પટેલ ન હોત તો કદાચ જૂનાગઢનો કોયડો ન ઉકેલાયો હોતઃ જૂનાગઢની આઝાદી તેમના પ્રયાસોને જ આભારી

જૂનાગઢ, : આવતીકાલે લોખંડી પુરૂષ સરદાર પટેલની જયંતી ઉજવવવામાં આવનાર છે ત્યારે જૂનાગઢને એ હકીકતનું સ્મરણ તાજુ થઈ રહ્યું છે કે જૂનાગઢ પર સરદારનું ઋણ હંમેશા રહેશે. પાકિસ્તાન સાથેના જોડાવાના જૂનાગઢના નવાબના નિર્ણય અંગેનો પ્રશ્ન સરદારે હાથમાં લીધો ન હોત તો કદાચ જૂનાગઢમાં પણ હાલ કાશ્મીરની જેમ લોહી ઉકાળા કરવા પડતા હોત. જૂનાગઢને આઝાદી મળી તેમાં સરદાર પટેલનો સિંહફાળો છે.

15 ઓગસ્ટ 1947ના સમગ્ર દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા નિર્ણય કરતાં સર્વત્ર અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. આ સમયે સરદાર પટેલે મુત્સદ્દીગીરી દાખવી આરઝી હુકુમતની સ્થાપના કરી હતી અને જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાના જટિલ કોયડાનો ઉકેલ કર્યો હતો. જો સરદાર પટેલે જૂનાગઢ રાજ્યનો જટિલ પ્રશ્ન જો હાથમાં લીધો ન હોત તો જૂનાગઢ આવવા માટે પણ કદાચ વિઝા લેવા પડતા હોત!

જૂનાગઢને 9 નવેમ્બર 1947ના આઝાદી મળ્યા બાદ સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ 'આ કોઈ ભાષણનો પ્રસંગ નથી. જૂનાગઢના કોયડાનો ઉકેલ લાવવા આવ્યો છું. નવાબને અવળી સલાહથી જૂનાગઢ ખાડામાં પડયું હતું. હવે સમજી ગયા છે. અમારી પ્રજાનું રક્ષણ કરવાની અમારી પૂરી તાકાત છે. બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતા તલવાર ઉપાડવી જરૂરી છે.' તેમ કહી લોકોને જુસ્સો ચડાવ્યો હતો અને હજારો લોકોની તાળીઓના ગડગડાટથી કોલેજ ગ્રાઉન્ડ ગુંજી ઉઠયું હતું. આમ, જૂનાગઢની આઝાદી માટે સિંહફાળો આપનારા  સરદાર પટેલનું જૂનાગઢ પરનું ઋણ હંમેશા રહેશે.

Tags :