Get The App

જંગલમાં 300થી વધુ અને જંગલની બહાર 400 સિંહ હોવાનું અનુમાન

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
જંગલમાં 300થી વધુ અને જંગલની બહાર 400 સિંહ હોવાનું અનુમાન 1 - image


આજથી એશિયાટિક સિંહોની આખરી તબક્કાની ગણતરી

સાવજોની સંખ્યા જાણવા 11 જિલ્લાના 58 તાલુકામાં 35 હજાર ચો.મી. વિસ્તાર આવરી લેવાયો, પ્રાથમિક અંદાજની કામગીરી પૂર્ણ 

જૂનાગઢ: સાસણ ગીર સહિતના વિસ્તારોમાં જ્યાં સાવજોનો વસવાટ છે ત્યાં પ્રથમ તબક્કે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવા પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલથી સિંહોની આખરી ગણતરીનું કાર્ય શરૂ કરાશે. સાવજોની વસતીનો આંક જાણવા ૧૬ જિલ્લાના પ૮ તાલુકામાં ૩પ હજાર ચો.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

સાસણ અભયારણ્ય ખાતેથી તા.૧૦ના બપોરે ર વાગ્યાથી સિંહોની વસતી ગણતરીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી તા.૧૧ના બપોરના ર સુધી પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કરાયું હતું. તા.૧૧ના બપોરથી તા.૧રના બપોર સુધી કામગીરી બંધ રાખવામાં આવી હતી. વન વિભાગના નેજા હેઠળ ૩ હજાર જેટલા લોકો ગણતરીના કાર્યમાં જોડાયા છે અને સિંહોને શોધીને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી છે.

પ્રાથમિક ગણતરીના અંદાજમાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધે તેવું અનુમાન છે. વર્ષ ર૦ર૦માં સિંહોની સંખ્યા ૬૭૪ જેટલી હતી અને તેમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે. પ્રાથમિક તબક્કાના અંદાજમાં જંગલની અંદર ૩૦૦થી વધુ સિંહો અને જંગલના બહારના વિસ્તારમાં ૪૦૦ જેટલા સિંહો હોવાનું વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વન વિભાગ દ્વારા તા.૧રના બપોરના ર વાગ્યાથી સિંહોની આખરી ગણતરી શરૂ કરવામાં આવશે અને તા.૧૩ના બપોરના ર સુધીમાં કામગીરીને પૂર્ણ કરાશે.

રાજકોટ, પોરબંદર જિલ્લામાં પ્રથમવાર સિંહ નોંધાયા

પ્રાથમિક તબક્કાની ગણતરીના અંદાજમાં એ મહત્વની બાબત સામે આવી છે કે, આ વખતે પ્રથમ વખત જ રાજકોટ અને પોરબંદર જિલ્લામાં સિંહોની સંખ્યા જોવા મળી છે.


Tags :