સુરતમાં યોજાનારી સાયક્લોથોન મુલતવી રાખવાનો નિર્ણય કરાયો
Surat News: કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે એર સ્ટ્રાઈક કરી આતંકીઓના અડ્ડાનો સફાયો કર્યા બાદ રઘવાયા પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારોમાં નિષ્ફળ હુમલા શરુ કર્યા છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે. ત્યારે 11મી મેના રોજ યોજાનારી સાયક્લોથોન કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે.
આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરી આતંકીઓનો સફાયો કર્યો છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સુરત પોલીસે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સુરત પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવાનો આદેશ કર્યો છે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે 11મી મેના રોજ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સુરત પાલિકા સહિત ગુજરાતની 17 મહાનગરપાલિકા અને 53 નગરપાલિકામાં એક સાથે નાઈટ સાયક્લોથોનનું આયોજન કરાયું હતું.
જેમાં સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રાહુલ રાજ મોલ થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી 10 કિલોમીટરમાં સાયક્લોથોન માટે મોટા ઉપાડે જાહેરાત કરવામા આવી હતી. પરંતુ પાકિસ્તાન સાથે તણાવને ધ્યાનમાં રાખીને રવિવારે સાંજે યોજાનારી સાયક્લોથોન મુલતવી રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.