Gujarat

ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો

By GS TEAM
21 Aug 20252 mins read
ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6  કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો

સમેગાના આશાસ્પદ યુવક પર વીજળી પડતા મોત : વીજળી એવી રીતે પડી કે  શરીરના ઉપરના ભાગે કોઈ ઈજા નહી પરંતુ અંદરના ભાગે તમામ અવયવો બળીને ખાખ થઈ ગયા : મૃતદેહને ટ્રક,  એમ્બ્યુલન્સ બાદમાં ટ્રેક્ટર વડે ગામમાં પહોંચાડયો ત્યાં સ્મશાન પાણી-પાણી, અંતે ગૌશાળામાં અગ્નિદાહ દેવાયો 

જૂનાગઢ, : માણાવદર તાલુકાના ઘેડ પંથકના સમેગા ગામના આશાસ્પદ યુવક પર વીજળી પડતા મોત નિપજ્યું હતું. ત્યારબાદ એવી કૂણતા બની કે મૃતદેહને પીએમ કરી માણાવદરથી પરત ઘરે લાવતા હતા  ત્યારે રસ્તામાં પાણી ભરાઈ ગયા અને 6  કલાક સુધી મૃતદેહને આમતેમ ફેરવવો પડયો હતો. મૃતદેહ ગામમાં પહોંચી ગયા બાદ સ્મશાનમાં પણ પાણી ભરાઈ જતા ગૌશાળા ખાતે અગ્નિદાહ દેવાની કરૂણતાએ  સૌકોઈનું હૃદય હચમચાવી દીધુ હતું.

ગઈકાલે સમેગાના અક્ષય કનુભાઈ મારૂ (ઉ.વ.રપ) નામના યુવક પર વીજળી પડતા મોત થયું હતું. મૃતકના બે વર્ષ પહેલા લગ્ન થયા છે. અક્ષય એક બહેનનો એકને એક ભાઈ હતો. ગઈકાલે પોણા નવ વાગ્યા  આસપાસ અક્ષય પોતાના ઘરે હતો ત્યારે અચાનક જ તેમના પર વીજળી પડી હતી. વીજળી એવી રીતે પડી કે જમણા ખંભાના ભાગથી પગના ભાગ સુધી શરીરની અંદર ઉતરી ગઈ હતી. શરીરના ઉપરના  ભાગે કોઈ ઈજા નહી પરંતુ અંદરના ભાગે તમામ અવયવો બળીને ખાખ થઈ ગયા હતા. સ્થળ પર જ તેમનું મૃત્યું થઈ ગયું હતું. ત્યારબાદ તેમને પીએમ અર્થે તાબડતોબ માણાવદર સરકારી હોસ્પિટલ ખાતે લઈ  ગયા હતા.

સવારે 11 વાગ્યા આસપાસ પીએમ થઈ ગયા બાદ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલથી મૃતદેહને સમેગા લઈ જવા નીકળ્યા ત્યારે સમેગા જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બાંટવા  ખારા ડેમના દરવાજા ખોલવાથી ચોતરફ પાણી પ્રસરી ગયા હતા. બાંટવાથી મૃતદેહને ટ્રકમાં સરાડીયા સુધી લઈ ગયા ત્યાં પાણી હોવાથી ટ્રકમાંથી મૃતદેહને એમ્બ્યુલન્સમાં રાખી અન્ય રસ્તેથી જવા પ્રયત્ન કર્યો  ત્યાં થોડા આગળ ગયા ત્યાં વધુ પાણી હોવાથી મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી જોખમી રીતે ટ્રેક્ટર મારફત મૃતદેહને મૃતકના ઘરે પહોંચાડયો હતો. ઘરેથી મૃતદેહને અંતિમવિધી માટે સ્મશાને લઈ જવાના હતા પરંતુ  સ્મશાન નજીક નવા તળાવનો પાળો તુટયો હોવાથી સ્મશાનના તથા ત્યાં જવાના રસ્તા પર ચાર-પાંચ ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા. ત્યારબાદ ગૌશાળાના શેડની નીચે મૃતક અક્ષયને અગ્નિદાહ દેવો પડયો  હતો.