Get The App

પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય 1 - image

ખજુરી નેસમાં સાંસ્કૃતિક અને લોક ડાયરાનાં આયોજનનો વિવાદ  : માલધારીએ કહ્યું કે મંજૂરી લઈ કાર્યક્રમ કરશું, : ટ્રસ્ટે કહ્યું અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમ બંધ રહ્યોઃ વાસ્તવમાં નિયમોના કારણે બંધ રાખવો પડયો

જૂનાગઢ, : ગીર પૂર્વના ધારી ડિવિઝન હેઠળ આવતા પ્રતિબંધિત ખજુરી નેસ વિસ્તારમાં નેસ સંસ્કૃતિ દર્શન અને લોક ડાયરાનાં આયોજનના વિવાદે જોર પકડયું છે. અભયારણ્યની અંદર જ્યાં પશુ, પક્ષી, પ્રાણીઓ અને વન્યજીવોની શાંતિ ભંગ ન થાય તે માટે અનેક નિયમો લાગુ છે ત્યાં રાજકીય નેતાઓની હાજરીમાં આવા તાયફા કરવાનું આયોજન કોના આશીર્વાદથી ઘડાયું હતું તે વન પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ કાર્યક્રમમાં પૂર્વ વન મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પરસોત્તમ રૃપાલા હાજર રહેવાના હતા. તેઓ વન વિભાગના કાયદાઓથી સુપેરે પરિચિત હોવા છતાં જંગલની મધ્યમાં આવા નિયમ વિરુદ્ધના કાર્યક્રમમાં હાજર રહેવાની મંજૂરી આપી તે એક સવાલ છે. આ આયોજન વન વિભાગના અધિકારી સાથે અગાઉથી જ ગોઠવાયેલો એક સુનિયોજિત પ્લાન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

જ્યારે સોશિયલ મીડિયા અને વનપ્રેમીઓમાં આ વાતનો ભાંડો ફૂટયો ત્યારે જ વનતંત્ર કેમ જાગ્યું? વન વિભાગે ઉતાવળે માલધારીઓ પાસે બાંયધરી પત્ર લખાવી લીધું છે જેમાં માલધારી સ્વીકારે છે કે 'જરૃર પડે ત્યારે મંજૂરી લઈ કાર્યક્રમ કરશું', પરંતુ આવા કાર્યક્રમની મંજૂરી જ મળે નહીં તેમ અધિકારીએ માલધારીને સમજ આપવી જોઈએ. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા લેખિતમાં જણાવાયું છે કે અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમ રદ રાખ્યો છે. જ્યારે કે હકીકત એ છે કે જંગલના કડક નિયમો અને વનપ્રેમીઓના વિરોધને કારણે આ કાર્યક્રમ બંધ રાખવાની ફરજ પડી છે. જો વિરોધ ન થયો હોત તો ગુપચુપ રીતે જંગલની મર્યાદાઓ લજવાઈ હોત તે નક્કી હતું.