Gujarat

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા

By GS TEAM
27 Feb 20262 mins read
થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા

ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગમાં પોલ ખુલી

વધારે બાળકો દર્શાવી ઓછું ભોજન બનાવવાનું અને સુખડીના વજનમાં પણ ગોલમાલ કરતા હોવાનું ખૂલ્યું

સુખડીના નામે કરાયેલા ખર્ચની વસૂલાત કરવા આદેસ 

થાન - થાન તાલુકાના અમરાપર ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર ૧૩ માં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવતા અનેક ગંભીર ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. સંચાલક અનિલભાઇ અને રસોયા મીઠીબેન મામલતદારની પૂર્વ મંજૂરી વિના ગેરહાજર જણાયા હતા.

તપાસ દરમિયાન વર્ધી બુકમાં ૧૮૫ બાળકોએ ભોજન લીધું હોવાનું દર્શાવાયું હતું, પરંતુ ડેપ્યુટી કલેક્ટરે રૃબરૃ વર્ગખંડમાં જઈ તપાસ કરતા માત્ર ૧૫૩ બાળકોએ જ ભોજન લીધું હોવાનું બહાર આવ્યું હતું. આમ, ૩૨ બાળકોની સંખ્યા ખોટી દર્શાવી સરકારી અનાજનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું સાબિત થયું હતું.

એટલું જ નહીં, બાળકોને અપાતી સુખડીમાં પણ મોટી ચોરી ઝડપાઈ હતી. નિયમ મુજબ ૨૫૧ બાળકો માટે ૧૨.૫૫ કિલો સુખડી બનાવવાની હતી, જેના બદલે સ્થળ પર માત્ર ૩.૭ કિલો જ સુખડી બનેલી જોવા મળી હતી. આ ઉપરાંત, કેન્દ્ર પર સ્ટોક રજિસ્ટર કે ટેસ્ટ રજિસ્ટર નિભાવવામાં આવતું નહોતું, તેમજ કોઈ શિક્ષક બાળકો સાથે બેસીને જમતા ન હોવાનું પણ ખુલ્યું હતું. આ તમામ ગંભીર બેદરકારીઓને ધ્યાને રાખી ડેપ્યુટી કલેક્ટરે અનિલભાઇ એન.અંદાણી (રહે. થાન) અને રસોયા મીઠીબેન કમાભાઇ પીહલા (રહે. અમરા૫ર)ને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવા થાન મામલતદારને હુકમ કર્યોે છે. સાથે જ, યોજનાના પ્રારંભથી અત્યાર સુધી સુખડીના નામે કરાયેલા ખર્ચની વસૂલાત કરવા પણ સૂચના આપી છે. આ કાર્યવાહીથી અન્ય કેન્દ્રોના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.