Updated: May 26th, 2023
image : twitter
- ટી-૨૦ની બાકી બે મેચને લઈ સટ્ટામાં ગરમાવો
અમદાવાદ,તા.26 મે 2023,શુક્રવાર
આઈપીએલની ટી-ટવેન્ટીની એલીમીનેટર-૨ અને ફાઈનલ એમ બે મેચ બાકી રહેતાં સટ્ટા બજારમાં ગરમાવો સર્જાયો છે. સટ્ટા બજાર અને ખેલીઓમાં આઈપીએલના કપ માટે ધોનીની ચેન્નાઈ સુપર કિગ્સ ફેરવીટ મનાય છે. બૂકીઓની વેબસાઈટ પર ચેન્નાઈનો ભાવ એક રૂપિયો તેમજ ગુજરાત અને મુંબઈનો ભાવ ૨.૯૫ રૂપિયાનો ભાવ બતાવવામાં આવે છે. આમ સટ્ટા બજારમાં ગુજરાત અને મુંબઈ કરતા ફાઈનલમાં પહોંચી ગયેલી ચેન્નાઈની ટીમ આગળ છે. શુક્રવારે મુંબઈ અને ગુજરાત વચ્ચે રમાનારી એલિમીનેટર-૨ મેચ બાદ શનિવારે સટ્ટા બજારમાં ભાવ ચેન્જ થશે તેમ સૂત્રોનું માનવું છે. બૂકીઓમાં આંતરીક ચર્ચા મુજબ ગુજરાતની ટીમ બીજીવાર આઈપીએલનો કપ લઈ મેદાન મારશે. એક અંદાજ મુજબ બે બાકી મેચો દરમિયાન દેશભરમાં ૩૦ થી૩૫ હજારનો સટ્ટો રમાવાના એંધાણ છે.
ચેન્નઈનો ભાવ એક ,ગુજરાત અને મુંબઈનો ભાવ ૨.૯૫ રૂપિયાઃ શનિવારે ભાવ ચેન્જ થશે
આઈપીએલની ટી-ટવેન્ટીની બાકી બે મેચોને સટ્ટા બજાર ગરમાવો આવી ગયો છે. પોલીસની ઘોંસ છતાં પણ ખેલીઓ કોઈ પણ ડર વગર સટ્ટા બજારમાં પૈસા લગાવી રહ્યા છે. આઈપીએલ કપ માટે સટ્ટા બજારમાં ચેન્નાઈની ટીમને ફેવરીટ માનવામાં આવી રહી છે જો કે, બૂકીઓની આંતરીક ચર્ચામાં ગુજરાત કપ લઈ જશે તેવી ધારણા બાંધવામાં આવી છે. જો ગુજરાત કપ જીતે તો સળંગ બીજીવાર આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરશે. બીજી તરફ મુંબઈ અને ગુજરાત વચ્ચેની બાકી એલિમીનેટર-૨ મેચ બંને ટીમો માટે સેમીફાઈનલ બની ગઈ છે. બૂકીઓના મતે ગુજરાતને આ મેચ માટે ફેવરીટ ગણવામાં આવી રહી છે. સટ્ટા બજારમાં ગુજરાતનો ભાવ ૮૮ પૈસા અને મુંબઈનો ભાવ ૯૩ પૈસા છે. આમ, મુંબઈ અને ગુજરતની ટીમો સટ્ટા બજારમાં ભાવમાં પાંચ પૈસાનું અંતર છે.
આઈપીએલ કપ માટે ચેન્નાઈની ટીમો ભાવ એક રૂપિયો, ગુજરાતનો ભાવ ૨.૯૦ પૈસા તેમજ મુંબઈનો ભાવ રૂ.૨.૯૫ પૈસા છે. આમ, ચેન્નાઈ કપ જીતે તેવી ગણતરીઓ વધુ જોવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત અને મુંબઈના યુવા ખેલાડીઓને કારણે આ બંને ટીમો પણ સટ્ટા બજારની ધારણાથી અલગ પ્રદર્શન કરે તો નવાઈ નહી. એક અંદાજ મુજબ આઈપીએલની બાકી બે મેચો માટે દેશભરમાં ૩૦ થી ૩૫ હજાર કરોડનો સટ્ટો રમાવાની શકયતાઓ જોવાઈ રહી છે. આઈપીએલની બાકી બે મેચોની ટિકીટને લઈને પણ કાળા બજાર શરૂ થઈ ગયા છે. કાળાબજારીયાઓએ પાંચ-પાંચ ગણા ભાવો વસુલવાનું શરૂ કર્યું છે. પોલીસ દ્વારા આ બ્લેક માર્કેટને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી છે.
સાયન્સ સીટી અને જગતપુરમાંથી બૂકીઓ પકડાયા
ક્રાઈમબ્રાંચે બુધવારે રાત્રે સાયન્સ સીટી વિસ્તારમાં ઓરમ સ્કાયમાંથી રાધે એક્સચેન્જ નામની ક્રિકેટ સટ્ટાની એપ મારફતે સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા પ્રશાંત પ્રકાશભાઈ પાચાણી (ઠક્કર) (ઉં,૩૦)ને ઝડપી લીધો હતો. પોલીસે યુવક પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે લઈ જુગારધારાની કલમ હેઠળ કેસ કર્યો હતો. અન્ય બનાવમાં ક્રાઈમબ્રાંચે જગતપુરના વિષ્ણુધારા ગાર્ડનના શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલી દૂકાન આગળથી ગુરૂવારે રાત્રે ક્રિકેટ સટ્ટો રમાડતા બૂકીઓને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપેલા ત્રણ શખ્સોમાં હર્ષ રાજકુમાર ખત્રી (ઉં,૨૮), ધૃવીન જીજ્ઞોશભાઈ ગોસ્વામી (ઉં,૨૧) અને હેતુલ અલ્પેશ વ્યાસ (ઉં,૨૩)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ ક્રિકેટ સટ્ટો રમાડવા માટે હર્ષ, ધૃવીન અને હેતુલે રાધનપુરના પ્રકાશકુમાર દેસાઈ પાસેથી તેમજ હર્ષનાએ વાડજ ખાતે રહેતાં મિત્તલ ભરવાડ પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી અને યુઝરનેમ પાસવર્ડ મેળવ્યા હતા. આ આઈડી દ્વારા આરોપીઓ તેમના ગ્રાહકો જૈમીન પટેલ, આસવ દોશી, દેવરાજ શાહ અને રિકેશ શાહને ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૯૦ હજારના ત્રણ મોબાઈલ ફોન કબ્જે લઈ તમામ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.