Get The App

ડિજિટલ અરેસ્ટમાં કંબોડિયા, થાઈલેન્ડની ટોળીની સંડોવણી

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ અરેસ્ટમાં કંબોડિયા, થાઈલેન્ડની ટોળીની સંડોવણી 1 - image


રાજકોટમાં બંને ડિજિટલ અરેસ્ટમાં કંબોડિયાના IP એડ્રેસ મળ્યાં

ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ મુખ્યત્વે કંબોડિયા અને થાઇલેન્ડથી ટોળકી ઓપરેટ કરે છે, લોન ફ્રોડમાં નેપાળની, ટાસ્ક ફ્રોડમાં મોટાભાગે દુબઇની ગેંગની સંડોવણી

રાજકોટ: ગાંધીનગરમાં મહિલા ગાયનેકોલોજીસ્ટને ૩ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી રૂા. ૧૯.૨૪ કરોડ પડાવાયા હતા. ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટનો આ કિસ્સો સૌથી મોટો છે અને તેમાં કંબોડિયાની ટોળકીની સંડોવણી ખુલી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અત્યાર સુધીમાં ડિજિટલ અરેસ્ટનાં બે કેસ નોંધાયા બાદ ગતરાત્રે ત્રીજી ફરિયાદ નોંધાઇ હતી. આ ત્રીજી ફરિયાદમાં ક્યાંની ગેંગ છે તે માહિતી હજુ બહાર આવી નથી.

પરંતુ અગાઉ બે વૃધ્ધોને ડિજિટલ અરેસ્ટ કરી રૂા. ૧.૦૩ કરોડ અને રૂા. ૫૬ લાખ પડાવાયાની ઘટનામાં પણ કંબોડિયાની ગેંગની સંડોવણી ખુલી હતી.

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ડિજિટલ અરેસ્ટ કરી લાખો, કરોડો પડાવતી ટોળકીઓ કંબોડિયાથી જ ઓપરેટ કરે છે. જેને કારણે આ ટોળકીઓ પકડાતી નથી. આ ટોળકીઓને ફ્રોડની રકમ જમા કરાવવા માટે મામુલી કમિશનની  લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા ખાતાધારકો  જ પકડાય છે. 

જેઓ પકડાયા પછી પણ ફ્રોડની રકમ પરત મળતી નથી. કારણ કે કંબોડિયાની ટોળકીઓએ તેમનાં ખાતાઓ જમા કરાયેલી રકમ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી નાખે છે. આ સ્થિતિમાં મોટાભાગનાં કિસ્સાઓમાં ભોગ બનનારાઓને ગુમાવેલી રકમ પરત મળતી નથી.

ડિજિટલ અરેસ્ટનાં ગુના આચરતી ટોળકીઓ માત્ર કંબોડિયાથી જ નહીં પરંતુ થાઈલેન્ડથી પણ ઓપરેટ કરે છે. ડિજિટલ અરેસ્ટનાં મોટા કિસ્સાઓમાં સંડોવાયેલી ટોળકીઓ મુખ્યત્વે આ બંને દેશમાંથી ઓપરેટ કરે છે.

સાયબર ગઠીયાઓએ અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાંથી કરી છે. આ પ્રકારનાં ગુના પણ મુખ્યત્વે કંબોડિયા અને થાઇલેન્ડમાં સક્રિય ટોળકીઓ દ્વારા જ આચરાય છે. આ ટોળકીઓ શેરબજારમાં ઊંચા પ્રોફીટની અને આઈઓપીની લાલચ આપી પૈસા ખંખેરે છે.

ટાસ્ક પૂરા કરવાના નામે પણ જુદી-જુદી ટોળકીઓ કરોડો રૂપિયા ખંખેરી ચૂકી છે. આ પ્રકારનાં ગુના આચરતી ટોળકીઓ મુખ્યત્વે દુબઇથી ઓપરેટ કરે છે. જાણકાર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ટાસ્ક ફ્રોડનાં સંખ્યાબંધ કિસ્સાઓ પછી લોકો જાગૃત બની ગયા છે અને ઝડપથી જાળમાં ફસાતા નથી. જેને કારણે આવા ગુના આચરતી ટોળકીઓ નિષ્ક્રિય બની ગઇ છે.

સાયબર ફ્રોડનો ચોથો પ્રકાર એટલે કે લોન આપવાનાં નામે થતાં ફ્રોડનો પણ સંખ્યાબંધ લોકો ભોગ બન્યાં છે. આ પ્રકારનાં ગુના આચરતી ટોળકીઓ મોટાભાગે નેપાળથી ઓપરેટ કરે છે.

આ ટોળકીઓ મામુલી રકમની લોન આપી લોનધારકને એક એપ ડાઉનલોડ કરાવી, તેના ફોટા, કોન્ટેક લીસ્ટ સહિતની પર્સનલ માહિતી એક્સેસ કરી લે છે. બાદમાં ફોટાને મોર્ફ કરી લોનધારકનાં પરિવારનાં સભ્યો કે સગા સંબંધીઓને મોકલવાની ધમકી આપી એકંદરે બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવે છે. જો કે આ પ્રકારનાં બનાવોમાં પણ લોકોની જાગૃતતાનાં કારણે ઘટાડો નોંધાયો છે. 

આમ છતાં હજુ પણ ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનાં બનાવો કેન્દ્ર અને રાજ્ય સરકારનાં જનજાગૃતિનાં અનેક કાર્યક્રમો, કોલર ટયુનનાં ઉપયોગ પછી પણ બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં. 

છેલ્લા કેટલાક સમયથી દેશમાં અને રાજ્યમાં બિઝનેશ ફ્રોડનાં બનાવો પણ વધી ગયા છે. જેમાં જે-તે વેપારીઓનો તેની પાસે રહેલી વસ્તુઓને વિદેશમાં એક્સપોર્ટ કરવાનાં નામે સંપર્ક કરી જાળમાં ફસાવી પૈસા પડાવાય છે.

સાયબર ક્રાઇમ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે આ પ્રકારનાં ફ્રોડ મોટાભાગે નાઇઝીરીયાની ગેંગ દ્વારા આચરાય છે.  રાજકોટમાં બિઝનેશ ફ્રોડનાં એક કિસ્સામાં દિલ્હીથી નાઇઝીરીયાનાં નાગરિકની ધરપકડ પણ થઇ હતી. જ્યારે ક્રેડિટ કાર્ડ વગેરેને લગતા ફ્રોડ કરનાર મોટાભાગની ગેંગ દિલ્હી અને નોયડાથી ઓપરેટ કરે છે.

- જામતારામાં ફ્રોડરો સામે કડક કાર્યવાહી શરૂ કરાઇ

રાજકોટ : એક સમયે સાયબર ફ્રોડ માટે ઝારખંડનાં જામતારાનું નામ પણ ખૂબ ચર્ચામાં આવ્યું હતું અને બદનામ થયું હતું. તેની ઉપર એક વેબ સિરીઝ પણ બની હતી. એટલું જ નહીં ઉહાપોહ થતા જામતારામાં એક ખાસ આઇજીપીની નિમણુંક કરવામાં આવી હતી. જામતારાથી વારંવાર ફ્રોડ માટે જે સીમ કાર્ડનો ઉપયોગ થાય છે તેને સર્વેલન્સમાં મૂકી  સ્થાનિક પોલીસે સ્થાનિક ફ્રોડરો સામે કડક કાર્યવાહી કરતાં જામતારાથી ઓપરેટ કરતી ગેંગ હવે થોડી 'શાંત' બની ગઇ છે. 

Tags :