- કપડવંજની એડી.ચીફ જ્યુ. મેજિ. કોર્ટનો ચુકાદો
- આરોપીને ચેકની મૂળ રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ ઉમેરીને ફરિયાદીને ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ
કપડવંજ : વિઝાના નામે છેતરપિંડી અને ચેક રિટર્નના વધતા કિસ્સાઓ વચ્ચે કપડવંજ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ૩૫.૫૭ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી હિતેશ નગીનભાઈ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે, સાથે જ ફરિયાદીને વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.
નડિયાદના રહેવાસી ભાવેશકુમાર પ્રભુદાસભાઈ દરજીએ પોતાના પુત્રને કેનેડા અભ્યાસ અર્થે મોકલવા માટે 'આમંત્રણ વિઝા કન્સલ્ટ'ના એજન્ટ હિતેશ નગીનભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટ દ્વારા કુલ રૂ. ૭૨,૭૪,૮૨૭ની માંગણી કરવામાં આવી હતી, જેની સામે ફરિયાદીએ રૂ. ૪૦,૫૭,૮૨૭ ચૂકવ્યા હતા. જોકે, કેનેડાના વિઝા રિજેક્ટ થતા ફરિયાદીએ પોતાની રકમ પરત માંગી હતી. રકમ પરત કરવાના વાયદા સાથે આરોપીએ રૂ. ૩૫,૫૭,૮૨૭નો ચેક આપ્યો હતો અને વિશ્વાસ આપ્યો હતો કે બેંકમાં રજૂ કરતા નાણાં મળી જશે. પરંતુ બેંકમાં અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફર્યોે હતો. ચેક રિટર્ન થયા બાદ ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ મોકલી હતી, જેની બજવણી થયા છતાં આરોપીએ રકમ પરત કરી નહોતી. અંતે આ મામલો કપડવંજની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પહોંચ્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપી હિતેશ પટેલને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની મૂળ રકમ રૂ. ૩૫,૫૭,૮૨૭ પર વાષક ૯ ટકા વ્યાજ ઉમેરીને ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.


