Get The App

ડેરીના સ્ટાફની સંડોવણીની શંકાના આધારે તપાસ શરૃ

બોગસ લેટર ક્યાં બનાવ્યા, કોને સહીઓ કરી તે હજી આરોપી જણાવતો નથી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
ડેરીના સ્ટાફની સંડોવણીની શંકાના આધારે તપાસ શરૃ 1 - image

વડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી શિક્ષિકા  અને તેના  પરિવાર પાસેથી ૩૯ લાખ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ અન્ય કેટલા લોકો  સાથે છેતરપિંડી કરી રૃપિયા  પડાવ્યા છે. તે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ સરદાર સહકાર સોસાયટીમાં રહેતા અને શિક્ષિકા  તરીકે નોકરી કરતા  ફરહીનબેન મલેકે  બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૭ માં  હું ખટંબા પાસે આવેલી બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે મારો પરિચય ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા,  તા.કવાંટ, જિ. છોટાઉદેપુર) સાથે થયો હતો. હું રક્ષાબંધનમાં તેને રાખડી બાંધતી હતી. ગમેશ સાથે અમારે પારિવારિક સંબંધો હતો. ગમેશ રાઠવા અને તેના સાળા   મયંક પ્રવિણભાઇ રાઠવા (રહે. સ્વામિ નારાયણ સોસાયટી, પાવી જેતપુર, છોટાઉદેપુર) એ બરોડા ડેરીમાં મને તથા મારા પરિવરના સભ્યોને નોકરી અપાવવાનું કહી અમારી પાસેથી ૩૯ લાખ પડાવી લીધા હતા. બાપોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.આર.એન. પ્રસાદે આ ગુનામાં સામેલ આરોપી ગમેશનેઝડપી પાડી વધુ તપાસ  હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપી ગમેશને પકડવાનો હજી બાકી છે. આરોપીએ ૩૯ લાખમાંથી કોઇ પ્રોપર્ટી ખરીદી હોવાની શંકાના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીએ એપોઇન્ટમેન્ટ લેટર, ટ્રેનિંગ લેટર, સિલેક્શન લેટર, ઓફર લેટર, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના લેટર પેડ કોની  પાસે અને કઇ રીતે બનાવ્યા ?તેની તપાસ પોલીસે શરૃ કરી છે. આ બોગસ લેટરમાં સહી કરનારને પણ પોલીસ શોધી રહી છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ કે અન્ય કોઇ ડેરીનો સ્ટાફ આ કૌભાંડમાં સામેલ હોવાની શંકા અંગે તેમજ કોઇને ખોટી રીતે નોકરી લગાવ્યા હોવા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Tags :