Gujarat

બે માસૂમ પુત્રીઓની હત્યા, માતાની આત્મહત્યામાં ઘરકંકાસ બાબતે તપાસ

By GS TEAM
14 Nov 20252 mins read
બે માસૂમ પુત્રીઓની હત્યા, માતાની આત્મહત્યામાં ઘરકંકાસ બાબતે તપાસ

રાજકોટ નજીકના નવાગામ (આણંદપર) ગામમાં 

પોલીસે મૃતક પરિણીતાનો મોબાઈલ ફોન કબજે લીધો, ખૂનનો ગુનો નોંધવા તજવીજ, અંતિમયાત્રામાં કરૂણ દ્રશ્યો સર્જાયાં

રાજકોટ: રાજકોટ નજીકના નવાગામ (આણંદપર) ગામની શક્તિ સોસાયટી શેરી નં.૬માં રહેતી અસ્મિતાબેન જયેશભાઈ સોલંકી (ઉ.વ.ર૮)એ ગઈકાલે તેની બે પુત્રીઓ પ્રિયાંશી (ઉ.વ.૮) અને હર્ષિતા (ઉ.વ.પ)ને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરૂણ ઘટનામાં ઘરકંકાસ કારણભૂત છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

આજે સવારે બી-ડિવીઝન પોલીસે ત્રણેય મૃતકોના ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. જેમાં સ્પષ્ટ થયું હતું કે અસ્મિતાબેને જ પોતાની બંને પુત્રીઓની ગળેટૂંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના આધારે ટૂંક સમયમાં પોલીસ મૃતક અસ્મિતાબેન  સામે તેની બંને પુત્રીઓની હત્યા અંગે ગુનો દાખલ કરશે. 

સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતક અસ્મિતાબેનના પતિએ પુત્ર પ્રાપ્તિ નહીં થતાં તેની પત્ની ડિપ્રેશનમાં રહેતી હોવાનું કહ્યું હતું. આ કારણથી કદાચ આ પગલું ભર્યાનું પણ જણાવ્યું હતું. આ સ્થિતિમાં પોલીસે હવે ખરેખર આ જ કારણથી પગલું ભર્યું છે કે પછી ઘરકંકાસ જવાબદાર છે તે દિશામાં તપાસ જારી રાખી છે. પાડોશીઓની પોલીસે પૂછપરછ કરતાં ઘરકંકાસ હોવાની માહિતી મળી નથી. આમ છતાં આ બાબતે પિયર પક્ષના સભ્યોની પૂછપરછ પછી સ્પષ્ટતા થશે તેમ પોલીસે જણાવ્યું હતું. 

મૃતક અસ્મિતાબેનની કોઈ સ્યૂસાઈડ નોટ પોલીસને મળી નથી. પોલીસે તેનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. સાથો-સાથ કોલ ડીટેઈલ રેકોર્ડ પણ કઢાવ્યો છે. તેના આધારે તપાસને દિશા મળવાની શકયતા પણ પોલીસ જોઈ રહી છે. 

આ ઘટનાથી નાના એવા નવાગામ (આણંદપર) ગામમાં અરેરાટી મચી ગઈ છે. પરિવારના સભ્યો આજે અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી પોલીસ વધુ પુછપરછ કરી શકી ન હતી.