નડિયાદ અને ચકલાસીમાં સંજય દેસાઈના જમીન કૌભાંડની તપાસ શરૂ
નડિયાદ સબ રજિસ્ટ્રારની જિલ્લા પોલીસમાં રજૂઆત
સરકારના આદેશ બાદ કૌભાંડમાં બોગસ દસ્તાવેજો કોણે ઉભા કર્યા તે દીશામાં તપાસ આદરાઈ
નડિયાદ અને ચકલાસીમાં ભાજપ નેતા અને પૂર્વ પાલિકા પ્રમુખ સંજય ભાસ્કરભાઈ દેસાઈ અને તેમના મળતિયાઓ દ્વારા કરોડો રૂપિયાની જમીન હડપી લઈ કૌભાંડો કર્યા હોવાનું ઓગસ્ટ- ૨૦૨૩માં સામે આવ્યું હતું. આ પ્રકરણમાં સંજય દેસાઈ દ્વારા ફરિયાદી સાથે બહાર આર્થિક પતાવટ જે-તે સમયે કરી દેવાઈ હતી. દોઢ વર્ષ બાદ રાજ્ય સરકારના નિર્દેશથી ફરી કૌભાંડ અંગે તપાસ શરૂ કરાઈ છે. સરકારી રેકર્ડ સાથે ચેડાં કોણે અને કેવી રીતે કર્યા, કૌભાંડોમાં બોગસ દસ્તાવવેજો કોણે બનાવ્યા, આ કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારીની સંડોવણી છે કે નહીં તેમજ દસ્તાવેજો બનાવવા સબંધેની તમામ તપાસ કરવા માટે નિર્દેશ કરાયા છે. નડિયાદ સબ રજીસ્ટાર દ્વારા આ મામલે જિલ્લા પોલીસ સમક્ષ જાણવાજોગ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ કૌભાંડ સબંધે હવે વધુ વિગતો બહાર આવશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કૌભાંડમાં કોણ શામેલ છે તે અંગે ખૂલાસા થવાની શક્યતાઓ છે.
જમીન કૌભાંડ કયું હતું ?
ચકલાસીમાં સર્વે નં.- ૫૪૨ અને ૫૭૨વાળી જમીનમાં બોગસ પાવર ઓફ એટર્ની ઊભી કરી જ્યારે નડિયાદના ચેતક પેટ્રોલ પમ્પ પાસે સર્વે નં.-૨૪૨ અને ૨૪૩વાળી જમીનોના બે ટ્રસ્ટીની સાંઠગાંઠથી પાણીના ભાવે દસ્તાવેજ કરી લેવાયા હતા. જમીનો પચાવી પાડવા બોગસ જૂની તારીખોમાં નોટરી કરાર, બોગસ આધારકાર્ડ પણ બનાવાયા હતા. ઓગસ્ટ-૨૦૨૩માં મામલો સામે આવતા ઉત્તરસંડાના વ્યક્તિ દ્વારા નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા સંજય ભાસ્કરભાઈ દેસાઈ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કરાયો હતો. જે મામલે બાદમાં મોટી આર્થિક રકમો આપી સમાધાન કરાયું હોવાની ચર્ચાઓ છે.