Gujarat

નડિયાદના સાયબર આતંકીઓની તપાસ એનઆઈએને સોંપાઈ

By GS TEAM
5 Jul 20252 mins read
નડિયાદના સાયબર આતંકીઓની તપાસ એનઆઈએને સોંપાઈ

- સુઆયોજિત કૃત્ય ગણી નિર્ણય લેવાયો

- ઓપરેશન સિંદૂર વખતે કેન્દ્ર સરકારની વેબસાઈટો ડાઉન કરી દેશની સુરક્ષાને નુકાસન

નડિયાદ : નડિયાદના સાયબર આતંકવાદ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ હવે ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવી છે. દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારતા આ ગુનાને આતંકવાદી હુમલો અને સુનિયોજિત ગુનો ગણીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કેસમાં મુખ્ય આરોપી જસીમ શાહનવાઝ અન્સારી (રહે. મજૂર ગામ, મિલ રોડ) અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર એમ બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી અને ભારત સરકાર દ્વારા 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કરવામાં આવ્યું હતું, તેવા સંવેદનશીલ સમયે આ બંને આરોપીઓએ ભારત સરકારની મહત્વપૂર્ણ વેબસાઈટો પર સાયબર હુમલો (ડીડીઓએસ એટેક) કર્યો હતો. આ હુમલામાં ડિફેન્સની વેબસાઈટ, સીબીઆઈની વેબસાઈટ, ઈન્ડિયન નેવીની વેબસાઈટ અને ગુજરાત પોલીસની વેબસાઈટ જેવી ૫૦થી વધુ વેબસાઈટોને નિશાન બનાવવામાં આવી હતી. અગાઉ, આ મામલાની તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આરોપી જસીમ શાહનવાઝ અન્સારીની ધરપકડ કરવામાં આવી હતી અને કાયાદના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ભારત સરકારના ધ્યાન પર આવ્યું કે આ હુમલો માત્ર એક સાયબર એટેક નથી, પરંતુ ભારતની અંદર ભય ફેલાવવા, દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવા માટેનું એક સુઆયોજિત કૃત્ય છે. આ જ પ્રકારના કૃત્યો અન્ય જગ્યાએથી પણ થયા હોવાથી, તેને વેલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને આતંકવાદી હુમલો ગણીને ભારત સરકારના ગૃહ વિભાગ તરફથી આ સમગ્ર કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન આઈએ) ને સોંપવામાં આવી છે.