સ્ટેમ્પ વેન્ડરોની રજૂઆત ઇ-સ્ટેમ્પ પેપરની સાથે ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખવા માંગણી
- 2018 માં રૂ.406 કરોડના સ્ટેમ્પ પેપરના વેચાણ પર 1 થી 3 ટકા કમિશન મળ્યું: ઇ-સ્ટેમ્પીંગમાં 10 થી 15 પૈસા જ કમિશન
સુરત, તા.18 સપ્ટેમ્બર 2019, બુધવાર
સુરત શહેરમાં ગત વર્ષે 406 કરોડ રૃપિયાના સ્ટેમ્પ પેપરોનું વેચાણ થયુ હતુ. આ ઓકટોબર મહિનાથી ફીઝીકલ સ્ટેમ્પ નું વેચાણ બંધ કરી દઇને ઇ સ્ટેમ્પ આપવાનું શરૃ કરવાના હોવાથી સ્ટેમ્પ વેન્ડરોને પડનારી મુશ્કેલી અંગે આજે રજુઆત કરીને ફીઝીકલ વેચાણ ચાલુ રાખવા માંગ કરી હતી.
સુરત સ્ટેમ્પ વેન્ડર એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરાઇ હતી કે ફીઝીકલ વેચાણનો સમય 1 થી 2 મિનીટ નો છે. જયારે ઇ સ્ટેમ્પીંગમાં સર્ટીફિકેટ લેવા માટે અરજદારએ સૌપ્રથમ તેનુ નિયત નમુનામાં ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરી ત્યારબાદ ઇ સ્ટેમ્પીગ બનાવવા માટે તેમા ડેટા ફીલઅપ કર્યા બાદ તેનો સર્ટીફિકેટ ઇસ્યુ થશે. આ માટે 20 મિનિટનો સમય લાગે છે. આથી સમયનો બગાડ થશે. સરકાર દ્વારા સ્ટેમ્પ વેન્ડરોને 1 થી 3 ટકા કમિશન ચુકવવામાં આવે છે. જેના પર અમારૃ ઘર ચાલે છે. ઇ સ્ટેમ્પીંગમાં 10 થી 15 પૈસા જેટલુ જ કમિશન ચૂકવવામાં આવશે. આટલુ કમિશન ચૂકવવાથી અમોને ખર્ચો જ પરવડે તેમ નથી.
અમો 20 થી 25 વર્ષથી સ્ટેમ્પ પેપરના વેચાણ સાથે સંકળાયેલા છે. હવે આ ઉમરમાં અમો બીજો
વ્યવસાય કરી શકીએ તેમ નથી. આથી ઇ સ્ટેમ્પ સાથે ફીઝીકલ સ્ટેમ્પો નું વેચાણ ચાલુ રહે તો જ અમારી તમામ સમસ્યાઓનું નિવારણ
આવી શકે તેમ છે. નહિતર અમારા પરિવાર ભુખ્યા રહેવાનો વારો આવશે. અત્રે ઉલ્લેખનીય છે
કે સુરત શહેરમાં હાલમાં 350 સ્ટેમ્પ વેન્ડરો સક્રિય છે. અને ગત વર્ષે રૃા.406 કરોડ
ના સ્ટેમ્પ પેપરો વેચાયા હતા.