Gujarat

સિહોર ન.પા.માં અઠવાડિયાથી નેટ બંધ, લોકોના કામ અટવાયા

By GS TEAM
14 Aug 20251 min read
સિહોર ન.પા.માં અઠવાડિયાથી નેટ બંધ, લોકોના કામ અટવાયા

- ગત વર્ષના બિલના રૂપિયા ન ચૂકવતા ઈન્ટરનેટ બંધ કરી દેવાયું

- કર્મચારીઓ પોતાના મોબાઈલ ડેટાથી કામ કરવા મજબૂર

સિહોર : સિહોર નગરપાલિકાના અંધેર વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ઈન્ટરનેટ સેવ બંધ થતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સિહોર નગરપાલિકા દ્વારા ગત વર્ષનું ઈન્ટરનેટનું બિલ ન ચૂકવવામાં આવતા છેલ્લા આઠ-નવ દિવસથી ઈન્ટરનેટ સુવિધા બંધ થઈ ગઈ છે. જેના કારણે મોટાભાગની ઓનલાઈન કામગીરી ઠપ થઈ જતાં લોકોને ઈ-નગર, જન્મ-મરણ, વેરા, આવાસ યોજના સહિતના કામોમાં ધરમના ધક્કા ખાવા પડે છે. નેટ બંધ હોવાની સમસ્યાથી કંટાળી કર્મચારીઓ પણ પોતાના મોબાઈલ ઈન્ટરનેટરના ડેટાનો ઉપયોગ કરી 'ધકેલ પંચા દોઢસો' કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ન.પા.ના નવ વિભાગો આવેલા છે. તેમાં માલ-સામાનના બિલ પણ ચૂકવવામાં આવતા ન હોવાથી વેપારીઓ સામાન આપવા તૈયાર થતા નથી. નગરપાલિકાની રૂપિયા ચૂકવણીમાં ભુંડી હાલતના કારણે કોઈ કામમાં એજન્સીઓ ટેન્ડર ભરવા પણ તૈયાર થતી ન હોવાનો ચર્ચાઈ રહ્યું છે.