વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્ત્રોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજે 21 ફેબ્રુઆરીનો દિવસ સુરત સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દરેક પ્રાંત પોતાની માતૃભાષા માટે આ દિવસે ગર્વ લે છે પરંતુ સુરતે માત્ર આ દિવસે માતૃભાષા ગુજરાતી જ નહી પરંતુ બહુભાષી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેનું કારણ એ છે કે, સુરત પાલિકા દ્વારા શાળા ચલાવવામા આવે છે તેમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અન્ય પાંચ ભાષા મળી કુલ છ ભાષામાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ વિના મુલ્યે અનેક સુવિધાઓ સાથે અંદાજે બે લાખ જેટલા વિદ્યાર્થીઓને પુરુ પાડે છે.
વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાં સુરતનું પણ સ્થાન છે અને સુરતમાં ધંધા રોજગારીની વિપુલ તક છે તેથી અનેક પ્રાંતમાંથી લોકો આવીને સુરતને કર્મભૂમિ બનાવી છે. સુરતમાં ધંધા રોજગાર માટે આવતા લોકોના બાળકોને તેમની ભાષામાં જ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગુજરાતી સાથે સાથે હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડિયા ઉપરાંત વિદેશી ભાષા અને આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય તેવી અંગ્રેજી ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 362 શાળા છે જેમાં 199186 વિદ્યાર્થીઓ જુદી જુદી છ માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. આ પહેલા સુરત પાલિકા તેલુગુ અને સીંધી ભાષામાં પણ શિક્ષણ આપતી હતી પરંતુ ક્રમશઃ વિદ્યાર્થીઓ ઘટવા સાથે શિક્ષકો પણ મળતા ન હોવાથી આ બે માધ્યમ બંધ કરવામાં આવ્યા છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છ માતૃભાષામાં વિદ્યાર્થીઓને વિના મુલ્યે શિક્ષણ તો આપે જ છે તેની સાથે સાથે પાઠ્ય પુસ્તક, યુનિફોર્મ, બુટ મોજા, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોસ્ટર્સ બુટ સહિતની વિવિધ સુવિધા પણ વિના મુલ્યે આપે છે. વિશ્વ માતૃભાષા દિવસના અવસરે સુરત પાલિકાની આ વ્યવસ્થા ભાષા વૈવિધ્ય, સાંસ્કૃતિક સમરસતા અને સર્વ સમાવેશી શિક્ષણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 362 શાળા છે જેમાં ગુજરાતી માધ્યમની 230 શાળા છે જેમાં 1.22 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે જેમાં ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રીયન ની સંખ્યા પણ નોંધપાત્ર છે જેના કારણે મરાઠી માધ્યમની 57 શાળા છે અને જેમાં 24698 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક રાજ્યોમાંથી શ્રમજીવીઓ અહી વસવાટ કરે છે તેથી તેઓની સંખ્યા પણ વધુ છે જેના કારણે હિન્દી માધ્યમની 28 શાળા છે જેમાં 19837 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
શહેરમાં લઘુમતી સમાજની વસ્તી છે અને ઘણાં લઘુમતિ સમાજ પોતાના બાળકોને ઉર્દૂ માધ્યમમાં શિક્ષણ મળે તેવો આગ્રહ રાખતા હોય છે તેને ધ્યાને રાખીને ઉર્દુ માધ્યમની પણ 28 શાળા છે જેમાં 21788 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સુરતમાં ઉડીયા ભાષી લોકોની સંખ્યા પણ છે તેથી પાલિકાએ ઉડીયા ભાષા વધુ વસવાટ કરતા હો તે વિસ્તારમાં ઉડીયા માધ્યમની 8 શાળાઓ બનાવી છે જેમાં 4863 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ સુરતમાં ગુજરાતી ભાષા સાથે અન્ય રાજ્યોની માતૃભાષાને જીવંત રાખવા સુરત પાલિકાએ પ્રયાસ કર્યો છે જેથી આવા પ્રકારની કામગીરી કરતી સુરત દેશની પહેલી મહાનગરપાલિકા છે.
સુરત પાલિકા એઆઈ બેઝ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને આપી રહી છે તેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે તે માટે સમયની સાથે કદમ મિલાવી છેલ્લા કેટલાક વર્ષથી અંગ્રેજી માધ્યમમાં પણ પ્રાથમિક શાળા શરુ કરી છે અંગ્રેજી માધ્યમની 11 શાળા છે જેમાં 5913 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આમ સુરત પાલિકાએ પોતાની માતૃભાષા ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોની માતૃભાષામાં બાળકોને શિક્ષણ મળે તેની જવાબદારી પણ ઉપાડી છે તેની સાથે સુરતની આ બહુભાષી ઓળખ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે.








