વડોદરાઃ ગુજરાતના વિવિધ સ્થળોએ યોજાનારા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાંથી વડોદરાની બાદબાકી સામે ભારે વિરોધ વંટોળ ઉઠયો હતો.એ પછી ગુજરાત ટુરિઝમ વિભાગે પોતાનો નિર્ણય બદલ્યો છે અને વડોદરામાં તા.૧૩ જાન્યુઆરીના રોજ કાઈટ ફેસ્ટિવલ યોજવાની જાહેરાત કરી છે.
ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા શિડયુલ પ્રમાણે તા.૧૦ જાન્યુઆરીના રોજ રાજકોટ, સુરત, ધોળાવિરા, તા.૧૧ જાન્યુઆરીએ શિવરાજપુર, એકતા નગર તથા વડનગર, તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, તા.૧૩ જાન્યુઆરીના રોજ વડોદરા અને તા.૧૪ જાન્યુઆરીના રોજ હાલોલ અને પાલીતાણા ખાતે કાઈટ ફેસ્ટિવલ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પંતગ મહોત્સવોમાં ભાગ લેતા વડોદરાના પતંગબાજોના સંગઠન ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસિએશને વડોદરાની બાદબાકી સામે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી.જોકે કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી નહીં થયા બાદ સંગઠને શુક્રવારે સાંસદને રજૂઆત કરી હતી.એ પછી આજે વડોદરામાં પતંગ મહોત્સવ યોજવાની જાહેરાત કરાઈ હતી.


