- બ્લેક મેટલ ઇન્ટરનેશનલ કંપની ચલાવે છે, કોપર અને સ્ક્રેપ વેચવાનો વ્યવસાય કરે છે, તેવી છાપ ઉભી કરી
- શખ્સોએ 26 ટન માલ, 24.395 ટન હાઇડ્રોક્લોરિક એસિડ ખરીદી નાણાં ના ચૂકવ્યા : વેપારીએ ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી : આણંદ ગ્રામ્ય પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આણંદ : આણંદ પાસેના ચિખોદરા ગામે ભાગીદારી પેઢી ધરાવતા વેપારીને બે ગઠિયાઓએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને પેઢી પાસેથી માલ મંગાવી નાણાં નહીં ચૂકવી રૂપિયા ૪.૧૫ કરોડનો ચૂનો ચોપડો હતો. ભાગીદારી પેઢીને આથક નુકસાન કરતા વેપારીએ નાણાંની ઉઘરાણી કરતા ફોન ઉપર ગઠિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા ખાતે રહેતા વિરેન્દ્ર ભગુભાઈ પટેલની આણંદ પાસેના ચિખોદરા ખાતે ભાગીદારી પેઢી આવેલી છે. ઘણા સમયથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માલ સામાનનું હોલસેલ વેચાણ કરે છે. મૂળ ગુજરાતના જામનગરના અને હાલ ઝિમ્બાબ્વે ખાતે રહેતા દીપકભાઈ મહેન્દ્રભાઈ મોડ અને કૃણાલ દીપકભાઈ મોડ ઝિમ્બાબ્વેમાં બ્લેક મેટલ ઇન્ટરનેશનલ કંપની ચલાવે છે અને કોપર અને સ્ક્રેપ વેચવાનો વ્યવસાય કરે છે, તેવી છાપ ઊભી કરી હતી. સુરતના એક પરિચિત દ્વારા આ બંને શખ્સો વિરેન્દ્રભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને સાથે મળી વ્યવસાય કરવા જણાવ્યું હતું. ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વિરેન્દ્રભાઈ અને અન્ય ભાગીદારો ઝિમ્બાબ્વે રૂબરૂ મુલાકાતે ગયા હતા. જ્યાં આ બંને શખ્સોએ મીટીંગો યોજી ભાગીદારોને વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ ૨૩ - ૫ - ૨૦૨૫ના રોજ ૨૬ ટન માલની નિકાસ કરવામાં આવી હતી અને બાદમાં ૧૦ - ૬ - ૨૦૨૫ના રોજ ૨૪.૩૯૫ ટન હાઇડ્રોક્લોરિક એસિડ પણ મોકલી આપવામાં આવ્યો હતો. આ માલનું પેમેન્ટ આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ટ્રાન્સફર દ્વારા ચૂકવી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું, પરંતુ માલ મળી ગયા બાદ ઝિમ્બાબ્વેના બંને શખ્સોએ નાણાં ચૂકવ્યા નહોતા. કોપર સ્ક્રેપના બે કન્ટેનરોમાં માલ સામાનની હેરફેરમાં પણ લાખો રૂપિયાની છેતરપિંડી આંચરી હતી. આમ આમ ઝિમ્બાવેના બંને શખ્સોએ કુલ ૪.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ભાગીદારી પેઢીના ભાગીદારોએ નાણાંની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વિરેન્દ્ર ભગુભાઈ પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં દીપકભાઈ મહેન્દ્રભાઈ મોડ અને કૃણાલ દીપકભાઈ મોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


