રાજસ્થાન અને ગુજરાતમાં બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ
ગાંધીનગરના ત્રણ બાઈક ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયાં
વાહન ચોરી કરવાના સાધનો તેમજ ચોરીમાં ગયેલા બે વાહનો સાથે
પકડીને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : પોલીસે રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સ્પોર્ટસ બાઇકોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સભ્યને ઝડપી પાડયો છે. આરોપી અગાઉ રાજસ્થાનમાં લૂંટ, મારામારી અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. ચોરી કરેલા બાઈક અને ચોરી કરવાના ઓજારો સાથે પકડવામાં આવ્યો છે. બંને રાજ્યોના કુલ સાત જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
શાંતિપૂર્ણ રથયાત્રા સંપન્ન થાય તે હેતુથી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન પોલીસની વ્યસ્તતાનો લાભ લઈને ગુના આચરવાની ટેવવાળા આરોપીઓ પર ખાસ નજર રાખવા જણાવ્યું હતું.દરમિયાન, ટીમને મળેલી બાતમીના આધારે, એક ઈસમને નંબર પ્લેટ વગરના મોટરસાઇકલ તથા નંબર પ્લેટ વગરના કાળા કલરના એક્ટિવા સાથે રણાસણ ટોલટેક્ષથી ચિલોડા તરફ જતા બ્રિજ પાસેથી શંકાસ્પદ ગતિવિધિ કરતા પકડી પાડવામાં આવ્યો હતો. તે રાજસ્થાનના ઉદેપુર ખાતે ચણાવડા ગામનો રહેવાસી રાકેશ ઉર્ફે મોત ધનરાજ ઉર્ફે ધનજી મીણા હોવાનું બહાર આવ્યું હતું. જેની પાસેથી વાહન ચોરવા માટેના સાધનો પણ મળી આવ્યા હતા અને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા રાજસ્થાન અને ગુજરાતના સાત જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં તેમજ ચિલોડાના ધણપ પાસે અને છત્રાલ જીઆઇડીસી માંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાગરિત સાથે મળીને આ ચોરીઓના ગુનાને અંજામ આપતો હતો. હાલ તેની વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. જેમાં ચોરીના અન્ય ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.