Gujarat

કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી

By GS TEAM
4 Oct 20252 mins read
કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી

વડોદરા, તા.4 પેન્ટ ઉતારી કમરના ભાગે વિંટાળી તેમજ શર્ટ માથાના ભાગે બાંધી ચોરી અથવા લૂંટ કરવા નીકળતી ટોળકીના એક સભ્યને વાઘોડિયા પોલીસે ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા-વાઘોડિયારોડ પર આવેલી ગોલ્ડન વેલી સોસાયટીમાં રૃા.૧.૩૮ લાખ કિંમતના સોનાના દાગીના અને રોકડની ચોરી થઇ હતી. આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સોસાયટીના એન્ટર અને એક્ઝિટ રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમજ સાઇટો પર કામ કરતા મજૂરોની તપાસ હાથ ધરતા ચોરી કરનાર ટોળકીના સભ્યો ઓળખાયા હતાં.

ચોરીમાં સંડોવાયેલ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં રહેતી આંતરજિલ્લા ટોળકીનો સભ્ય ભરત મોતીભાઇ મંડોળને તેના ઘેરથી પોલીસે ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તા.૬ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં ભરત મંડોળ સામે વડોદરા, વલસાડ, આણંદ, દાહોદ, ભાવનગર, જામનગર અને પંચમહાલ જિલ્લામાં લૂંટ અને ચોરીના ગુના નોધાયા હોવાનું જાણવા મળ્યું હતું. તેને કબૂલાત કરી હતી કે તેના સાથીદારો ભરત નુરાભાઇ ડામોર (રહે.વીસલંગા તા.લીમખેડા, જિલ્લા દાહોદ) અને રાજુભાઇ સાથે ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે બાઇક પર દિવસે સોસાયટી, ફ્લેટ અથવા ફાર્મહાઉસ જે બંધ હોય તેની રેકી કર્યા બાદ રાત્રે અવાવરુ જગ્યાએ ભેગા થઇ ટાર્ગેટવાળી જગ્યાએ પહોંચીને પહેરેલું પેન્ટ ઉતારી કમરના ભાગે તેમજ શર્ટ માથાના ભાગે વિંટાળી ચડ્ડી બનિયન હાલતમાં દરવાજા તેમજ બારીઓના સળિયાની ગ્રીલો તેમજ લોક તોડી ગુના આચરતા હતાં.