બાકરોલની ઈન્દિરા કોલોનીમાં 38 શકમંદોને રાઉન્ડઅપ કરી સઘન તપાસ
- ખેડા અને આણંદ જિલ્લામાં ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીની તપાસ તેજ
- એસઓજી દ્વારા માતર નજીકથી 6 શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરી રહેઠાણ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજોને લઇ પૂછપરછ શરૂ કરાઈ
આણંદ પોલીસ દ્વારા જિલ્લામાં અનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આજે સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ પોલીસની ટીમો દ્વારા આણંદ પાસેના બાકરોલ ગામની ઇન્દિરા કોલોની સહિતના આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં રહેઠાણના પુરાવા પ્રાથમિક દૃષ્ટિએ શંકાસ્પદ જણાતા કુલ ૩૮ શકમંદ શખ્સોને રાઉન્ડઅપ કરી તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધાર કાર્ડ રેશનકાર્ડ સહિતના પુરાવાઓની ટેકનીકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં પોલીસની વિવિધ ટીમોએ પણ નડિયાદ શહેરના ટાઉન અને પશ્ચિમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ઝુપડપટ્ટી વિસ્તારમાં બાંગ્લાદેશી ગેરકાયદે રહે છે કે કેમ તે અંગે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)એ માતર નજીકથી ૬ જેટલા શકમંદ શખ્સોને રાઉન્ડઅપ કરી સઘન તપાસ હાથ ધરી છે. નડિયાદ ટાઉન પોલીસે સંતઅન્ના ચોકડી પાસે સાંઈબાબાનગર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આધારકાર્ડથી લઈ સબંધિત તમામ બાબતોની પૂછપરછ કરાઈ હતી.