Get The App

આરોગ્ય તંત્રની સઘન તપાસ ઃ ૨,૪૫૬ ઘરમાં મચ્છરોના પોરા મળી આવ્યા

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
આરોગ્ય તંત્રની સઘન તપાસ ઃ  ૨,૪૫૬ ઘરમાં મચ્છરોના પોરા મળી આવ્યા 1 - image


ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે

એક અઠવાડિયામાં ૫૬ હજારથી વધુ પાત્રો ચકાસીને ૪,૫૦૦ જેટલા પક્ષીના કુંજ હટાવવામાં આવ્યા

 ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે અને જે અંતર્ગત તપાસ કરતા ૨૪૫૬ જેટલા ઘરમાંથી મચ્છરોના પુરા મળી આવ્યા હતા જેનો નાશ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ૫૬ હજારથી વધુ પાત્રો ચકાસીને ૪,૫૦૦ જેટલા પક્ષી કુંજ હટાવવામાં આવ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન અને મોન્સુન એક્ટિવિટીના ભાગરૃપે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ, સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી આરોગ્ય શાખા દ્વારા શરૃ કરી દેવામાં આવી છે જે અંતર્ગત આ કામગીરીમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ૫૧ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ૫૦ ફીમેલ હેલ્થ વર્કર, ૧૫૨ આશા બહેનો તેમજ ખાસ રોકેલા ૧૧૦ વેક્ટર કંટ્રોલ વર્કરોની કુલ ૧૫૦ ટીમોના ૩૫૦ થી વધુ વ્યક્તિઓ દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન લોકોને પોતાના ઘરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ચોખ્ખા પાણીનો ભરાવો ન થવા દેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પક્ષીના કુંડા, છોડના કુંડા, ફ્રીજની ટ્રે તેમજ અગાસી પર જમા થતું પાણી અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સપ્તાહ દરમિયાન કુલ ૫૬,૦૦૦ થી વધુ પાત્રો ચકાસવામાં આવ્યા હતા. જેમાં ૨૪૫૬ ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા, જેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.પેરા ડોમેસ્ટિક કામગીરીના ભાગરૃપે વિવિધ જાહેર ટેમ્પરરી બ્રીડિંગ સ્થાનો જેવા કે પક્ષીકુંજ, માટલા વગેરે પાત્રો હટાવવામાં આવ્યા હતા. જ્યારે કુલ ૪૫૦૦ જેટલા પક્ષીકુંજ હટાવવામાં આવ્યા હતા.વધુમાં, ખાડા-ખાબોચિયામાં જમા થતા ગંદા પાણીમાં ૬૦ લિટર બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તાવના શંકાસ્પદ ૧૨૫૩ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. મચ્છરોથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે ૧૨,૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સીઝન દરમિયાન વાહક નિયંત્રણની તેમજ વ્યાપક જનજાગૃતિ માટેની સઘન પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે,

Tags :