72 બેઠકો માટે 1076 ટિકીટવાંચ્છુ! : ધસારો થતા ધોરણો જારી કર્યા : રાજકોટમાં અનામત બેઠકો વધતા પછાતવર્ગના દાવેદારો સાથે જૈન,બ્રાહ્મણ,પાટીદારો સહિત સવર્ણોની થોકબંધ માંગણી રજૂ
રાજકોટ, : ભાજપની પૂરી થયેલી સેન્સ પ્રક્રિયામાં જ્ઞાાતિના ધોરણે સામુહિક રીતે ટિકીટની માંગણી થતા અને રાજ્યભરમાં જ્ઞાાતિ-સમાજને અન્યાય ન થાય તેવી લાગણી પ્રસરતા પક્ષ માટે ઉમેદવારોની પસંદગી મૂશ્કેલ બનવાના અને નામો જાહેર થતા વિવાદો સપાટી પર આવવાના એંધાણ વર્તાય છે. આ સ્થિતિમાં તા. 11-4-2026ના ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે તેના એક-બે દિવસ અગાઉ જ ઉમેદવારોના નામ જાહેર કરવાનું અગાઉ જેવું વલણ અખત્યાર થાય તેવા અણસાર મળ્યા છે.
રાજકોટમાં આ વખતે અનામત બેઠકો વધતા અન્ય પછાતવર્ગના નેતાઓમાં ટિકીટની આશા વધુ પ્રબળ બનતા તેમના દાવેદારોની સંખ્યા ખાસ્સી વધી છે અને આ સાથે સવર્ણ સમાજને અન્યાય ન થાય તેવી ભાવનાથી જૈન, બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિય સહિત સવર્ણ સમાજમાંથી પણ થોકબંધ નામો રજૂ થયાનું જાણવા મળ્યું છે.
ભાજપમાં 18 વોર્ડની કૂલ 72 બેઠકો માટે અધધધ 1076 દાવેદારો અને તે ઉપરાંત ગુપ્ત રીતે ચર્ચામાં રહેલા સહિત 1200 જેટલા કતારમાં ઉભા રહી ગયા છે. સેન્સ પ્રક્રિયા પૂર્વે કોઈ ધોરણો રજુ ન કર્યા અને હવે ધસારો થતા ભાજપે ધોરણો જારી કર્યા છે. જે મૂજબ (1) 60 વર્ષથી વધુ વયના (2) 3 ટર્મ ચૂંટણી લડેલા (પછી જીત્યા કે હાર્યા) (3) 3 સંતાનો (4) અનૌપચારિક રીતે સોશ્યલ મિડીયામાં અને સમાજમાં ઓછા અનુયાયી ધરાવનારા વગેરેને ટિકીટ નહીં મળે. આ ધોરણો મૂજબ હવે ઉપરોક્ત નામોમાં ચારણો ફેરવવામાં આવશે. બધા ઉમેદવારોના જન્મતારીખ,ઈતિહાસ જોઈને રદ કરવાપાત્ર નામો સાથે પ્રદેશમાં મુકાશે.


