સુરત પાલિકા તંત્રએ મોટા ઉપાડે નાટ્ય સ્પર્ધા શરૂ કરી જાહેરાતના અભાવે પ્રેક્ષકો ન મળતા કલાકારોનું અપમાન
Surat Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 51મી નાટ્ય સ્પર્ધામાં પ્રેક્ષકો શોધવા પડે તેવી હાલત થઈ ગઈ છે. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પહેલા દિવસે નાટ્યગૃહમાં ખાલી ખુરશીના ફોટા સાથે પાલિકાના વિપક્ષે આ સ્પર્ધાને કલાકારોનું અપમાન ગણાવ્યું હતું. સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, કેટલાક આળસુ અધિકારીઓની જાહેરાતના અભાવે પબ્લિક સુધી નાટક સ્પર્ધાની માહિતી પહોંચતી ન હોય આ માત્ર તમાશો બની ગઈ છે.
સુરત મહાનગરપાલિકા રાજ્યની એવી મહાનગરપાલિકા છે જે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 51 વર્ષથી નાટ્ય. સ્પર્ધાનું આયોજન કરે છે. છેલ્લા કેટલાક વખતથી ફિલ્મ જગતના નામાંકિત કલાકાર અને સુરતમાં જન્મેલા સંજીવ કુમાર સાથે સ્પર્ધાનું નામ જોડી દીધુ છે તેથી આ સ્પર્ધા વધુ ખાસ બની ગઈ છે. આ વર્ષે આ સ્પર્ધા વરાછા ઝોનમાં આવેલા સરદાર પટેલ નાટ્ય સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલ પહેલા દિવસે સુત્રધાર નાટક ભજવાયું હતું. પરંતુ તેમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
પાલિકાના વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ ખાલી ખુરશીના ફોટાઓ શેર કર્યા છે અને કહ્યું છે, આ સુરત શહેર નાટ્ય કલાકારોની ભુમિ છે અને દર વર્ષે તેમને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધા થાય છે પરંતુ કેટલાક આળસુ અધિકારીઓની જાહેરાતના અભાવે પબ્લિક સુધી નાટક સ્પર્ધાની માહિતી પહોંચતી ન હોય આ માત્ર તમાશો બની ગઈ છે.
લોકો પણ કહે છે, સંસ્કૃતિ અને કલા માટે જાણીતા સુરતમાં આ રીતે ખાલી બેઠકો જોવીએ માત્ર કાર્યક્રમની નહિ, પરંતુ આખી નાટ્ય સંસ્કૃતિની હાર સમાન છે. પ્રેક્ષકોના અભાવે કલાકારોનું મનોબળ તૂટ્યું, તો બીજી તરફ કલાકૃતિ પ્રત્યેની શહેરની ઉદાસી બની ગઈ છે. આવી નબળી કામગીરી કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને પાલિકા આવી સ્પર્ધા માટે યોગ્ય જાહેરાત કરે તેવી પણ માગણી થઈ રહી છે.