અત્યાર સુધી કબ્જો કેમ ખાલી કરાવી શક્યા નહીં તેનો સ્થાયી સમિતિએ ખુલાસો માગ્યોઃ બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી થશે
સુરત,
સુરત મ્યુનિ.ના કોસાડ આવાસની દુકાનો પર માથાભારે તત્વોના કબ્જા મુદ્દે જવાબદા સામે પગલા ંભરવા માટે તૈયારી થઈ રહી છે. સાત વર્ષ સુધી માથાભારે તત્વોનો કબ્જો કેમ ખાલી કરાવી શક્યા નથી તેનો જવાબ માગવામા ંઆવ્યો છે. સ્થાયી સમિતિ સક્ષમ રજુ કરેલા જવાબ સંતોષકારક ન હતો. સ્થાયી સમિતિએ પાલિકાને તાકીદ કરી છે કે આ ગેરકાયદે કબ્જો તાત્કાલિક ખાલી કરાવી પાલિકાની મિલ્કતનો કબ્જો લેવામા ંઆવે અને માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે.
સુરત મ્યુનિ.ના કોસાડ આવાસમાં પાલિકાએ દુકાન બનાવી છે તેના પર માથાભારે તત્વોએ સાત વર્ષથી કબ્જો કરી દીધો છે. પાલિકાએ જેમને દુકાન ફાળવી છે તેઓએ પૈસા ભરી દીધા હોવા છતાં પાલિકા તેમને કબ્જો ન આપતાં તેઓએ પૈસા પરત માગ્યા હતા. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી હતી. સ્થાયી સમિતિએ આ દરખાસ્ત મુલત્વી રાખી છે અને સાત વર્ષ સુધી પાલિકાની મિલ્કત પર માથાબભારે તત્વો કબ્જો કેવી રીતે કરી શકે? તેનો ખુલાસો માગ્યો છે. સાત વર્ષમાં પાલિકાના કતારગામ ઝોન દ્વારા ક્યા પ્રકારની કામગીરી કરવામાં આવી અને કેમ? કબ્જો ખાલી કરાયો નથી તેનો જવાબ અત્યાર સુધીના તમામ જવાબદાર અધિકારીઓ પાસે માગવામાં આવ્યો છે.
સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, પાલિકાની મિલ્કત પર માથાભારે તત્વોનો આવી રીતે કબ્જો હોય અને તે પાલિકા ખાલી કરાવી શકતી ન હોય તે શરમજનક બાબત છે. તાત્કાલિક પોલીસની મદદથી આ ગેરકાદે કબ્જો ખાલી કરાવવામાં આવે અને માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે. અત્યાર સુધી જે લોકોની જવાબદારી છે તેઓ કામગીરી ન કરી શક્યા હોય અને તેઓ જવાબદાર ગણાય તો તેવા અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી તાકીદ કરી છે.
સ્થાયી સમિતિએ કતારગામ ઝોનના અધિકારીઓને બોલાવીને પોલીસ બંદોસ્ત સાથે માથાભારે તત્વો પાસે કબ્જો ખાલી કરાવીને પાલિકા પાસે કબ્જો લેવાની સુચના આપી દીધી છે.


