સિવિલમાં કણસતા દર્દીને સારવાર આપવાને બદલે બે ડૉકટર આરામ, એક ગેમ રમવામાં વ્યસ્ત
- જુનિયર-સિનિયર ડોકટર વચ્ચે માથાકૂટ બાદ વધુ એક વિવાદ
- વિડીયો
બનાવવાનું શરૃ થતા એક ડોકટર ઉભા થઇ દર્દીના બેડ પાસે ગયા, તપાસીને પરત ખુરશીમાં બેસી
ગયા : ફોન ઝુંટવી લેવા મહિલા સિક્યુરીટીનો પ્રયાસ
સુરત, :
સુરત નવી સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદોમાં સપડાતી રહે છે. જોકે બે દિવસ પહેલા સર્જરી વિભાગના સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે માંથાકુટ થતા હોબાળો થયો હતો. ત્યારબાદ નવી સિવિલના તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં નહી આવી હોવાનો વિડિયો વાયરલ થયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ પાંડેસરામાં રહેતો ૩૪ વર્ષીય યુવાનને પેટમાં, કમર સહિતના ભાગે દુઃખાવો થતો હતો. જેથી તેને શનિવારે મોડી રાતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટ્રરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા હતા. ત્યારે તેને ખૂબ જ દુઃખાવો થતો હોવાથી કણસી રહ્યો હતો. પણ થોડો સમય થઈ ગયો હોવા છતાં પણ તેની સારવાર કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે તેની સાથે આવેલા એક વ્યકિતએ વિડીયો બનાવ્યો હતો.
વાયરલ થયેલા વિડીયોમાં નજરે પડે છે કે, યુવાનને દુઃખાવાના લીધે કણસી રહ્યો હોવાથી તડફડીયા મારી રહ્યો છે. જોકે બે જેટલા ડોક્ટરો સુતેલા હતા અને એક ડોક્ટર મોબાઇલમાં ગેમ રમતા દેખાયા છે. જોકે યુવાન દર્દના કારણે બેડ પર જ કણસી રહ્યો હતો. છતા એક પણ ડોક્ટર ઉભા થયા ન હતા. જોકે વિડીયો બનાવવાનુ શરૃ કરતા એક ડોક્ટર ઉભો થઈને માત્ર તપાસ કરીને ફરી પરત આવીને બેસી ગયો હતો. જોકે દર્દીને સારવાર કરવા માટે કોઈપણ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. દરમિયાન મહિલા સિક્યુરિટી પહોંચી જતા તેની પાસેથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને તારે જેને આપવું હોય તેને આપી દે અને ગમતેમ બોલતી હતી. બાદમાં તેને સારવાર શરૃ કરવામાં આવી ન હતી.
આ વિડિયો સિવિલ હોસ્પિટલના અઘિકારી પાસે પણ પહોંચી ગયો હતો.જેથી અધિકારીઓ દ્વારા ટ્રોમા સેન્ટરમાં સી.સી ટીવી કેમેરા ચેક કર્યા હતા.જેમાં તે દર્દી ચાલતો સારવાર લેવા જતો દેખાય છે. જોકે તેને પેટમાં દુઃખાવો થયો હતો. તે સમયે ત્યાં સર્જરી વિભાગના ડોકટરે અન્ય ગંભીર દર્દીને સારવાર આપતા હતા. જોકે આ દર્દી ગંભીર ન હતુ. બાદમાં તે દર્દીની જરૃરી સારવાર શરૃ કરીને સોનોગ્રાફી સહિતના જરૃરી ટેસ્ટ કરાવ્યા હતા. બાદમાં દર્દી ચાલતો પરત ગયો હતો.ડોક્ટરને સમયસર સારવાર આપવાની સુચના આપાઇ છે. જયારે મહિલા સિક્યરીડી ગાર્ડને ત્યાંથી અન્ય સ્થળે ખસડવામાં આવી છે એવુ સિવિલના અધિકારીએ કહ્યુ હતું.