જંગલના રસ્તાના હઠાગ્રહને બદલે રેવન્યુ માર્ગે પણ પરિક્રમા થઈ શકે

પરિક્રમા રદ થવાથી અને યાત્રિકો ભાવુક થઈ ગયા હતા : આવી સ્થિતિમાં ગણેશજીની જેમ માતા પિતાની પ્રદક્ષિણા અથવા ગિરનારી મહારાજના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી લેવી જોઈએ : સાધુ સંતો
જૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા એ લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. પરિક્રમા રદ થવાના નિર્ણયથી અનેક ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. આવી સ્થિતિમાં સાધુ સંતોએ ભાવિકોને આશ્વસ્ત કરવા પડયા છે.
પરિક્રમા બંધ રહેવાના કારણે હવે ભવનાથ તળેટી ગિરનાર પર્વત તથા ગિરનારના ક્ષેત્રમાં આવેલી અનેક ધાર્મિક જગ્યાઓ પર લોકોને ભીડ એકઠી થશે. પરિક્રમા કરવા માટે વર્ષોથી આવતા અનેક યાત્રાળુઓને સાધુ સંતોએ સંદેશો આપ્યો છે કે ગિરનારના પરિક્રમા રૂટને બદલે રેવન્યુ વિસ્તારના જાહેર રસ્તે પરિક્રમા કરી મનોકામના પૂર્ણ કરી શકાય તેમ છે. હાલની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ જંગલના રસ્તે પરિક્રમા કરવાનો કોઈ યાત્રિકો હઠાગ્રહ ન રાખે તેવી વન વિભાગે પણ અપીલ કરી છે.
દત્તાત્રેય શિખરના મહંતએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિ મુજબ પરિક્રમા કરવી તે ખૂબ જ જોખમી બની ગયું છે. જંગલના તમામ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આવા સમયે ગણેશજીની જેમ પોતાના માતા પિતાની પરિક્રમા કરી સંતોષ માની લેવો જોઈએ. છતાં પણ ખૂબ જ ઈચ્છા હોય તો ગિરનાર પર આવી ગિરનારના દર્શન કરી લેવા અને બહુ બહુ તો ગિરનારની ફરતે ભેસાણ ચોકડીથી ભેસાણ રોડ તરફ જઈ રાણપુર, છોડવડી બિલખા થઈ જૂનાગઢ પરત આવવામાં આવે તો ગિરનારની પરિક્રમા થઈ ગઈ ગણાશે અને આ પરિક્રમા માટે કોઈપણ વાહન લઈને પરિક્રમા થઈ શકે તેમ છે કેમકે આ જાહેર માર્ગ છે.

