નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો
ગુજરાતના તમામ ડેમોના સ્ટોરેજના 56 ટકા એકમાત્ર નર્મદા ડેમમાં : સૌરાષ્ટ્રના 141માંથી 17 ડેમો જ ઓવરફ્લો થયા છે : આશરે 100 ડેમોમાં 80 ટકાથી ઓછું સ્ટોરેજ અને હાલ વરસાદ મંદ
રાજકોટ, : ગુજરાતના કૂલ 207 જળાશયોમાં આજ સુધીમાં 616133 એમસીએફટીનો એટલે કે ક્ષમતાના 69 ટકા જળસંગ્રહ થયો છે જેમાં એકમાત્ર નર્મદા ડેમમાં ઝડપથી વધી રહેલા જળસ્તરને પગલે રાજ્યના કૂલ સ્ટોરેજના 56 ટકા અને નર્મદા ડેમની સંગ્રહશક્તિના 73.76 ટકા એટલે કે 2,46,487 એમસીએફટીનો સંગ્રહ થયો છે જેના પગલે ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડાતા સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને પાણી દરિયામાં છોડવાને બદલે સૌરાષ્ટ્રના જળાશયો તેનાથી ભરવા માંગણી કરાઈ છે.
રાજકોટ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યા મૂજબ સમુદ્રમાં નિરર્થક વેડફાતું પાણીને બચાવવું અતિ આવશ્યક છે, સૌરાષ્ટ્રના હજુ 80 ટકા ડેમો ભરાયા નથી ત્યારે નર્મદાડેમનું આ વધારાનું પાણી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રમાં પહોંચાડવા તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે આજના રિપોર્ટ મૂજબ સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી માત્ર 17 ડેમો છલકાયા છે અને 100 ડેમોમાં 80 ટકાથી ઓછુ સ્ટોરેજ છે. તેમજ ઘણા સમયથી વરસાદ સૌરાષ્ટ્ર માટે ધીમો પડી ગયો છે અને બીજી તરફ વાવણીની પૂરબહારમાં ખિલેલી ઋતુમાં જળની માંગ છે. ઉપરાંત અતિ મૂલ્યવાન પાણી વેડફાવાને બદલે વપરાય તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.