મોરબીનાં આંગણે આત્મજ્ઞાાનની અનુભૂતિનો અનોખો અવસર : જ્યારે સાંસારિક સબંધોનું અવલોકન આત્મ દ્રષ્ટિથી કરવામાં આવશે ત્યારે આત્મજ્ઞાાનનો આવિર્ભાવ થશેઃ પૂ. દીપકભાઇ દેસાઇ
રાજકોટ, : મોરબીનાં આંગણે રવાપર રોડ ઉપર પૂ. દાદા ભગવાનના 118મા જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે આયોજિત સત્સંગમાં આજે આત્મજ્ઞાાની પૂ. દિપકભાઇ દેસાઇએ પ્રશ્નોતરી સત્સંગમાં વ્યકિત પોતાની સાચી ઓળખ કઇ રીતે પ્રાપ્ત કરી શકે છે? તે અંગે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે દરેક વ્યકિતને એક નામની ઓળખ મળી છે જે નામથી તે કોઇનો પુત્ર, પતિ, ભાઇ કે અન્ય સબંધી છે. આ નામનું પાટીયુ જ્યારે ફગાવી દેવામાં આવે છે ત્યારે તેને શુધ્ધ આત્મા તરીકેની ઓળખ પ્રાપ્ત થાય છે. આ ઓળખની પ્રક્રિયા આત્મજ્ઞાાન થકી શક્ય બને છે તેમ તેઓએ જણાવ્યું હતું.
મોરબીમાં અક્રમ વિજ્ઞાાનની પૂ. દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે આત્મ સ્વરૂપની ઓળખ માટે ડીજીટલ મલ્ટીમીડિયાના માધ્યમથી ઉભી કરવામાં આવેલી 'જોવા જેવી દુનિયા' અનેક લોકોને પોતાના જીવનનો આર્ચ રાહ દર્શાવી રહી છે નવી પેઢીને આત્મબળ, પ્રમાણિકતા અને નવી વિચારધારાનું દર્શન કરાવવામાં આ ટેકનોલોજી ઉપયોગી બની રહે છે.
સત્સંગ અને પ્રશ્નોત્તરી દરમિયાન પૂ. દીપકભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે જ્ઞાાન, વિજ્ઞાાન, ભક્તિ અને ત્યાગ જેવા શબ્દોનો અર્થ સમજવા માટે આપણે સાચી દિશામાં પ્રયત્ન કરવો જોઇએ. ચોરી નહીં કરવી, જૂઠુ નહીં બોલવું એ જ્ઞાાન છે. અર્થાત જાણકારી છે પરંતુ વિજ્ઞાાન એટલે ક્રિયાને આધીન કર્મ. સાકાર ગળી છે તે જાણકારી એટલે જ્ઞાાન અને મોઢામાં મુકે તેનાં સ્વાદનો અનુભવ લઇએ તે વિજ્ઞાાન. જ્ઞાાન પ્રમાણે આચરણ કરવું એ ભક્તિ છે. આત્માનું જ્ઞાાન મળે પછી આત્માની ભક્તિ મળે. ઘર-બાર છોડી દઇએ એ ત્યાગ નથી. પરંતુ માયાથી સમગ્રપણે મુક્ત થઇએ તે ત્યાગ છે તેમ કહી તેઓએ આત્મજ્ઞાાનની અનુભૂતિ વિના આત્મદ્રષ્ટિ કેળવવી અશક્ય છે. તેથી વ્યવહારિક જીવનમાં આત્મ દ્રષ્ટિ કેળવવાનો અભ્યાસ થવો જોઇએ તેમ જણાવ્યું હતું. ગઇકાલે જ્ઞાાન વિધિ કાર્યક્રમનો સાડા ત્રણ હજાર લોકોએ લાભ લીધો હતો.


