MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય, ત્રણ ઈન્ટરલની જગ્યાએ એક જ ઈન્ટરનલ પરીક્ષા લેવાશે
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાંથી કન્ટીન્યુઅસ ઈવોલ્યુશન પ્રોસેસ એટલે કે સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય આપી દેવામાં આવી છે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં તેના પર જ ભાર મૂકવામાં આવ્યો છે.
કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે માત્ર 6 મહિના માટે વિદ્યાર્થીઓના અભ્યાસનું સતત મૂલ્યાંકન થાય તે હેતુંથી આ પ્રક્રિયાને લાગુ કરવામાં આવી હતી. જેમાં એફવાયમાં વિદ્યાર્થીઓની 15, 15 અને 20 માર્કની ત્રણ ઈન્ટરનલ પરીક્ષા અને 50 માર્કની એક એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીને ભણાવવામાં આવતા દરેક યુનિટમાંથી 25 માર્કના પ્રશ્નો પૂછાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
જે તે સમયે નક્કી થયું હતું કે, એફવાય બાદ તબક્કાવાર એસવાય, ટીવાય અને ફોર્થ યરમાં પણ તેને લાગુ કરવામાં આવશે. તેની જગ્યાએ સત્તાધીશોએ 50-50 માર્કની ઈન્ટરનલ અને એક્સટર્નલ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. તેમાં પણ દરેક યુનિટમાંથી એક સરખા માર્કસના પ્રશ્નો પૂછાય તેનું પણ ધ્યાન રખાયું નથી. આમ નવી સિસ્ટમમાં પહેલા બે યુનિટમાંથી વધારે માર્કસના અને અન્ય બે યુનિટમાંથી ઓછા માર્કસના પ્રશ્નો પૂછાશે. આમ તમામ યુનિટને એક સરખું મહત્વ નહીં મળે.