Gujarat

ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી ગયો

By GS TEAM
6 Dec 20252 mins read
ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી ગયો

અમદાવાદ,શુક્રવાર,5 ડિસેમ્બર,2025

અમદાવાદમાં ૫૨ વર્ષ જુના સુભાષબ્રિજને બંધ કરાયા પછી શુક્રવારે સવારે ત્રણ કન્સલ્ટન્સી એજન્સી સાથે  કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓએ સાબરમતી નદીમાં હોડીમાં બેસી બ્રિજની પરિસ્થિતિનું કારણ શોધવા પ્રયાસ શરુ કર્યા હતા.બ્રિજ નીચે કુલ છ સ્પાન આવેલા છે.આ પૈકી એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી જતા તાત્કાલિક બ્રિજ તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.હજુ બેથી ત્રણ દિવસના ઈન્સપેકશન પછી બ્રિજના સમારકામને લઈ ચોકકસ તારણ મળી શકશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ગુરૃવારે સાંજે સુભાષબ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયા પછી કોર્પોરેશન દ્વારા એમ-પેનલ કરવામા આવેલી ત્રણ એજન્સી કે જેમાં કસાડ ઉપરાંત મલ્ટી મિડીયા અને પંકજ પટેલ નો સમાવેશ થાય છે તેમનો અધિકારીઓ દ્વારા સંપર્ક કરી તમામને સુભાષબ્રિજ અંગે ઈન્સપેકશન શરુ કરવા સુચના આપવામા આવી હતી. શુક્રવારે સવારે કોર્પોરેશનના અધિકારીઓ એજન્સીના સ્ટાફ સાથે સાબરમતી નદીમાં નીચેના ભાગમાં હોડીમાં બેસી બ્રિજની પરિસ્થિતિ અંગે કારણ શોધવા પહોંચ્યા હતા.કોર્પોરેશનના એક અધિકારીના કહેવા મુજબ બ્રિજના પિલરમાં હાલ તુરત કોઈ નુકસાન થયુ હોવાનુ લાગતુ નથી. પરંતુ બ્રિજના છ સ્પાન પૈકી એક સ્પાનમાં તિરાડ જોવા મળી હતી. આ તિરાડના કારણે બ્રિજ ઉપરની સરફેસનો કેટલોક ભાગ દબાઈ ગયો હોવાનુ પ્રાથમિક તારણ છે.સુભાષબ્રિજ ઈન્સપેકશન માટે બંધ કરાયા પછી રાજય સરકારના આર.એન્ડ બી.વિભાગના અધિકારીઓ પણ સ્થળ તપાસ માટે પહોંચ્યા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જો કે પાંચ દિવસ જ બ્રિજ રહેશે કે પછી સમારકામને લઈ લાંબા સમય સુધી બંધ રાખવો પડશે એ અંગે ઈન્સપેકશનનો બે કે ત્રણ દિવસમા રીપોર્ટ આવ્યા પછી જ નિર્ણય થઈ શકશે.

બ્રિજ સમારકામનો નિર્ણય લેતા પહેલા શું- શું કરવુ પડશે

-રાજય સરકારના પરિપત્ર મુજબ આર.એન્ડ બી. વિભાગને પણ બ્રિજનો ઈન્સપેકશન રીપોર્ટ મોકલવો પડશે

-બ્રિજને લઈ કોઈપણ પ્રકારનું  સમારકામ કરતા પહેલા આર.બી.વિભાગની મંજૂરી લેવી પડશે

-આર.બી.વિભાગની મંજૂરી મળ્યા પછી સમારકામ કરવા ટેન્ડર પ્રક્રીયા કરવી પડશે

-સમારકામ કયારે શરૃ કરાશે,કયારે પુરુ કરાશે તેની પોલીસથી લઈ અન્ય વિભાગને જાણ કરવી પડશે.

મ્યુનિ.અધિકારીઓની સમય સુચકતાને લઈ મોટી દુર્ઘટનાટળી

        અમદાવાદના સુભાષબ્રિજને ગુરૃવારથી પાંચ દિવસના ઈન્સપેકશન માટે તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે.મોટી દુર્ઘટના ટળે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સમયસુચકતા વાપરી બ્રિજ બંધ કર્યો હતો. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલતી હતી. બેઠકમાં સુભાષબ્રિજનો કેટલોક ભાગ દબાયો હોવાની જાણ થતાં કોર્પોરેશનના સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલા તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા.સમયસર પોલીસ સાથે સંકલન કરી બ્રિજને બંધ કરાવ્યો હતો.