આણંદ જિલ્લાના 12 જેટલા બ્રિજની ચકાસણી હાથ ધરાઈ
- ગંભીરા પુલ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું
- નિરીક્ષણ બાદ નબળા પુલ પાસે ભારે વાહન પ્રતિબંધના બોર્ડ લગાવવા સૂચના
આણંદ : ગંભીરા પુલ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે આજે આણંદ જિલ્લાના ૧૨ જેટલા નાના- મોટા બ્રિજની ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી.
તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને સરકારના દિશા નિર્દેશો હેઠળ તકેદારીના ભાગરૂપે આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરના સ્ટ્રક્ચર એન્જિનિયરે આજે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધ નાના-મોટા ૧૨ જેટલા બ્રિજની ચકાસણી કરી હતી.
આણંદ જિલ્લાના આજે કિંખલોડથી ગંભીરા, ફતેપુરાથી ગોરવા, ખંભાત ડાલી ધુવારણ રોડ, નગરા કોડવા રોડ, ટીંબા સાઈમા કાણીસા રોડ, વટાદરા વત્રા વાડીનાથપુરા રોડ, કાણીસા સાઠ રોડ, ખંભાત ગોલાણા રોડ, નેજા કચ્છી વાસ રોડ, ગુડેલ ખાખસર રોડની ચકાસણી કરી બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં જે બ્રિજ નબળા હોય ત્યાં બ્રિજ પાસે ભારે વાહન પ્રતિબંધના બોર્ડ મારવાની સૂચના આપી હતી.