રાજકોટમાં મકાનનાં ભાડાંના મુદ્દે મિત્ર સાથે ગયેલા નિર્દોષ યુવાનની હત્યા
વાવડીમાં ખોડલ પેલેસમાં ખૂની ખેલ ખેલાયો : મકાન ભાડે દેનાર શખ્સ અને તેના સાગરિતો સામે તાલુકા પોલીસમાં ગુનો : આરોપીઓ સકંજામાં
રાજકોટ, : રાજકોટ નજીકનાં વાવડી રોડ પર મકાનના ભાડાના મુદ્દે ભાડૂઆત સાથે વિવાદ થતાં મકાન માલિકે તેના સાગરીતો સાથે મળી નિર્દોષ વિપુલ જેન્તીભાઈ મકવાણા (ઉ.વ. 40, રહે. વાલકેશ્વર સોસાયટી, સહકાર મેઇન રોડ)ની પાઇપ, ધોકાના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આ ઘટનામાં એક યુવાનને ઇજા થતા તાલુકા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી ભગી ઉર્ફે ભગીરથસિંહ વનરાજસિંહ ઝાલા સહિતનાં આરોપીઓને સકંજામાં લઇ તપાસનો દૌર જારી રાખ્યો છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા શકીલ મહોમદશા શાહમદાર (ઉ.વ. 33) ડ્રાઇવિંગ કરે છે. હત્યાનો ભોગ બનનાર વિપુલ તેની સાથે ક્લિનર તરીકે કામ કરતો હતો. શકીલે પોલીસને જણાવ્યું કે, તેના કાકાનો પુત્ર અવેશ ભગવતીપરામાં રહે છે. જેણે 4 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતાં. જેને કારણે પરિવાર સાથે વિવાદ થતાં તે પત્ની શહેનાઝ સાથે વાવડીમાં ખોડલ પેલેસ તરીકે ઓળખાતા મકાનમાં ભાડે રહેવા આવ્યા હતાં. આ મકાન આરોપી ભગીએ તેને રૂા. 2500 માં ભાડે આપ્યું હતું.
આખરે અવેશને પરિવારજનો સાથે સમાધાન થઇ જતાં ગઇકાલે બપોરે તેની માતા શહેનાઝેન અને બંને બહેનો શાઝમીન અને નાઝમીન તેને તેડવા આવ્યા હતાં. જેથી અવેશે તેને ગઇકાલે બપોરે કોલ કરી કહ્યું કે, મારે પપ્પાના ઘરે જવું છે, એટલું તું આવ. જેથી તે મિત્ર વિપુલ સાથે બાઇક પર તેના ઘરે વાવડીમાં પહોંચ્યો હતો. જ્યાં બધા બેઠા હતા ત્યારે મકાન ભાડે આપનાર ભગીની પત્ની ત્યાં આવી હતી અને ભાડુ માંગ્યું હતું.
જે બાબતે ભગીના પત્ની અને અવેશની પત્ની નૂરજહાં વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર પછી ભગીની પત્ની ત્યાંથી જતી રહી હતી અને તેણે પતિ ભગીને કોલ કરતાં તે અજાણ્યા ચારેક શખ્સો સાથે ત્યાં ધસી આવ્યો હતો. તે વખતે તે અને વિપુલ મકાનનાં પાર્કિંગમાં ઉભા હતાં.
આવીને ભગી અને તેના સાગરીતો અવેશના મકાને ધોકા, પાઇપ લઇ ગયા હતાં. પરંતુ અવેશે મકાનનો દરવાજો બંધ કરી દેતાં નીચે આવ્યા હતા. તે વખતે તેણે ભગીને કહ્યું કે, ભાડાનું પતી જશે તેમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભગી સમજ્યો ન હતો અને ઉશ્કેરાઇ તેને ગાળો ભાંડયા બાદ માથમાં પાઇપનો ઘા ઝીંકી દીધો હતો.
તે સાથે જ તેના સાગરીતો વિપુલ ઉપર ધોકા અને પાઇપ વડે તૂટી પડયા હતાં. જેને કારણે વિપુલ નીચે પટકાઇ ગયો હતો અને તેના માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જ્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો અને પત્નીને કોલ કરતાં પત્ની અને તેના પિતા ત્યાં આવ્યા હતા અને તેને સિવિલમાં લઇ ગયા હતાં. જ્યારે ગંભીર રીતે ઘાયલ વિપુલને અવેશ રિક્ષામાં સિવિલ લઇ ગયો હતો. તેનાં માથામાં સાત ટાંકા આવ્યા હતા. વિપુલને પણ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સિવિલમાં દાખલ વિપુલે રાત્રે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. તે પહેલા તાલુકા પોલીસે શકીલની ફરિયાદ પરથી ભગી અને ચાર અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધા હતાં.
હત્યાનો ભોગ બનનાર વિપુલનાં છૂટાછેડા થઇ ગયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પુત્ર અને માતા સાથે રહી ક્લિનર તરીકે કામ કરતો હતો. પરિવારનો આધારસ્તંભ હતો. તેના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.