MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં પ્રવેશની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે ત્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન માટે અન્યાય કરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે. એફવાયમાં 6000 કરતા વધારે વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે પણ આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે અને તેમાં સેંકડો વિદ્યાર્થીઓ બહારગામના છે. તેની સામે હોસ્ટેલ સત્તાધીશોએ કોમર્સના એફવાયના વિદ્યાર્થીઓ માટે માત્ર 200 બેઠકો ફાળવી છે. ગત વર્ષ કરતા એફવાયબીકોમની 150 જેટલી બેઠકો ઘટાડી નાંખવામાં આવી છે. આ બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ અપાય છે અને આશ્ચર્યની વાત એ છે કે, 75 ટકા લાવનારા વિદ્યાર્થીઓ પણ પ્રવેશથી વંચિત છે. હવે કોમર્સના વિદ્યાર્થીઓના નાછૂટકે વધારે પૈસા ખર્ચીને પીજી તરીકે બહાર રહેવાનો વારો આવશે.
તેની સામે જોકે ચીફ વોર્ડનનું કહેવું છે કે, કોમર્સના જે વિદ્યાર્થીઓ એસવાય કે ટીવાયમાં ડિટેન થયા હશે તેમને હોસ્ટેલમાં પ્રવેશ નહીં મળે અને આ ખાલી જગ્યાઓ પર એફવાયના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. સરવાળે ગત વર્ષ જેટલા જ વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ મળશે.