Get The App

ઇજનેરોની મોટી ભરતીમાં જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય

સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું ટાઇમટેબલ ખાનગી અને સરકારી કોલેજોના રિઝલ્ટને ધ્યાનમાં રાખી કરવું જોઇએ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ઇજનેરોની મોટી ભરતીમાં જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય 1 - image

વડોદરા, તા.27 ગુજરાત સરકાર દ્વારા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરની ભરતીમાં ખાનગી યુનિવર્સિટીના ઉમેદવારોને લાભ થાય અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અથવા તેને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવું ટાઇમટેબલ બનાવતા સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩ની ૮૨૪ પદો તેમજ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૫૧૩ પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરના ઉમેદવારો માટે કરવામાં આવતી આ ભરતીમાં અધિક મદદનીશ ઇજનેર માટે તા.૧૩ મેથી તા.૨૭ મે સુધી અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે તા.૨૦ મેથી તા.૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે તેમ જણાવાયું છે. ફોર્મ ભરવાની ઉપરોક્ત તારીખોમાં ખાનગી યુનિવર્સિટીના ડિપ્લોમા સિવિલના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ અને રિઝલ્ટ પણ આવી ગયા છે જેથી તેઓ જ આ ભરતીમાં ઉમેદવારી કરી શકશે.

જ્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિપ્લોમા સિવિલ ઇજનેર શાખામાં અંતિમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા તા.૧૬ મેના રોજ પૂર્ણ થઇ છે અને તેનું રિઝલ્ટ લગભગ તા.૧૪ જુલાઇના રોજ જાહેરાત કરવામાં આવશે તેમ જણાવાયું છે. આમ જીટીયું સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ જ સરકારી ભરતીમાં ફોર્મ ભરવાથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જીટીયુ સંલગ્ન કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આ સરકારી ભરતીમાં ફોર્મ ભરી શકતા નથી.

મહત્વની બાબત એ છે કે અધિક મદદનીશ ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે જે જાહેરાત બહાર પાડવામાં આવી તેમાં ડિપ્લોમા એન્જિનિયર પૂર્ણ કર્યું હોય તેવા જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યના હજારો વિદ્યાર્થીઓ આ ભરતીથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રી તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆતો કરી છે કે અમારુ પરિણામ જાહેર થયા બાદ ભરતીના ફોર્મ ભરવાની તક મળવી જોઇએ.



Tags :