સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત
ડેરીમાં દૂધ ભરાવીને ચાલતા ઘરે જતા પ્રૌઢને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી
,સાંકરદા ગામે ચાલતા જતા રાહદરીને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સાંકરદા ગામ નાળિયા વગામાં રહેતા રયજીભાઇ મોતીભાઇ પરમાર ( ઉં.વ.૫૫) ગત ૫ મી તારીખે બચુભાઇ હિંમતભાઇ પરમાર સાથે સાંકરદા ગામ તરફથી ડેરીમાં દૂધ ભરાવીને ચાલતા ઘરે જતા હતા. તે દરમિયાન સાંકરદા ગામ તરફથી પૂરઝડપે આવતી રિક્ષાના ચાલકે રયજીભાઇને પાછળના ભાગેથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી. રિક્ષા ચાલક કીરિટભાઇ અર્જુનસિંહ સોલંકી (રહે. મોક્સી ગામ,ઇબ્રામપુરા,તા.સાવલી) ઉભો રહ્યો હતો. તેની જ રિક્ષામાં ઇજાગ્રસ્ત રયજીભાઇને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેઓનું મોત થયું છે.