દીકરો ન આપી શકે તો પિયર ચાલી જા... તેમ કહી પરિણીતા પર અમાનુષી અત્યાચાર
વડોદરા, તા. 27 માર્ચ 2023 સોમવાર
વડોદરામાં રહેતી એક પરણીતાને પુત્ર જન્મ ન આપી શકે તો સાસરી છોડી દેવા માટે દબાણ કરી અત્યાચાર ગુજારતા પતિ અને સાસરીયાને પરણીતાએ પાઠ ભણાવ્યો છે.
સયાજીગંજ વિસ્તારની અભયમની ટીમ પાસે એક પરણીતાએ મદદ માગી હતી. પરણીતાએ કહ્યું હતું કે મારા લગ્નજીવનને 12 વર્ષ થયા છે. એક દીકરીને જન્મ આપ્યા બાદ બીજા દીકરાને જન્મ આપ્યો હતો પરંતુ ખોડ ખાપણને લીધે દીકરાનું અવસાન થયું હતું.
આ કારણસર પતિ અને સાસરીયા બીજો દીકરો પેદા કરવા દબાણ કરી રહ્યા છે અને વારંવાર મેણાં મારી શારીરિક તને માનસિક ત્રાસ ગુજારી રહ્યા છે. અભયમ અને પોલીસની ટીમે પતિ અને સાસરીયાને કાયદાનું ભાન કરાવતા તેમણે માફી માગી હવે પછી ત્રાસ નહીં ગુજારવા ખાતરી આપી હતી.