Gujarat

માંગરોળમાં મળેલા કાશ્મીરના શકમંદ ભાઈઓનાં ખાતાંની માહિતી મંગાવાઇ

By GS TEAM
14 Nov 20252 mins read
માંગરોળમાં મળેલા કાશ્મીરના શકમંદ ભાઈઓનાં ખાતાંની માહિતી મંગાવાઇ

બંને શખ્સ પર એસ.ઓ.જી. દ્વારા વોચ 

નવાબંદરમાંથી ત્રણ કાશ્મીરના શખ્સ પકડાયા બાદ ઉનાની મસ્જિદ, દરગાહ, મદરેસામાં ચેકિંગ, પણ કઈ શંકાસ્પદ ન મળ્યું

જૂનાગઢ,ઉના: માંગરોળની હોટલમાંથી એસ.ઓ.જી.એ  જમ્મુ કાશ્મીરના બે ભાઈને શંકાસ્પદ હાલતમાં પકડી પૂછપરછ કરી હતી. આ બંનેના બેંક એકાઉન્ટ અંગેની વિગતો મંગાવી વોચ રાખવામા આવી રહી છે, જ્યારે  નવાબંદરની મસ્જિદમાંથી પણ ત્રણ કાશ્મીરી શખ્સો પકડાયા બાદ આજે ઉનાની મસ્જિદ, મદરેસા અને દરગાહમાં એસ.ઓ.જી.એ ચેકિંગ કર્યું હતું.

દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ગઈકાલે માંગરોળની એક હોટલમાં તપાસ કરી કાશ્મીરના પૂછ જિલ્લાના ફાગલા ગામના ન્યાઝ એહમદ મહમદ આઝાદ મકરાણી, અને જુનેદ એહમદ મહમદ આઝાદ મકરાણી નામના બે ભાઈઓને શંકાસ્પદ હાલતમાં પકડી પૂછપરછ કરતા તેણે માટે ફાળો લેવા આવ્યાનું જણાવ્યું હતું. એસ.ઓ.જી.એ તપાસ કરતા તેની પાસેથી ખાનગી કંપનીનું રાઉટર મળ્યું હતું. ટેકનિકલ તપાસમાં કોઈ વાંધાજનક બાબત મળી ન હતી. એસ.ઓ.જી. પી.આઈ. આર.કે.પરમારે જણાવ્યું હતું કે આ બંને ભાઈના બેંક એકાઉન્ટ અંગેની માહિતી મંગાવવામાં આવી છે. હાલ તેના ઓર વોચ રાખવામાં આવી રહી છે.

દરમિયાન, ગઈકાલે ઉના તાલુકાના નવાબંદરની મસ્જીદમાંથી કાશ્મીરના ત્રણ શખ્સો શંકાસ્પદ મળ્યા હતા. આ શખ્સોને મસ્જીદમાં આશરો આપી પોલીસને જાણ ન કરવા બદલ મસ્જીદના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે ગીર સોમનાથ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એ.વાઘેલાની સૂચનાથી એસ.ઓ.જી.ના સ્ટાફે ઉના શહેર, અંજાર અને અમોદ્રા રોડ પર આવેલી મસ્જીદ, મદરેસા અને દરગાહમાં ચેકીંગ કર્યું હતું. તેમાં કઈ શંકાસ્પદ મળ્યું ન હતું.