Get The App

મોંઘવારીનો વિકાસઃ ગુજરાતીના પ્રિય ફાફડાં, ફરસાણના ભાવ વધ્યા

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
મોંઘવારીનો વિકાસઃ ગુજરાતીના પ્રિય ફાફડાં, ફરસાણના ભાવ વધ્યા 1 - image

ખાદ્યતેલો અને કોમર્શીયલ ગેસ મોંઘાદાટ થતા  રાજકોટમાં 10 ટકા ભાવ વધારોઃ સરકાર ખાદ્યતેલોને નિયંત્રણમાં નહીં રાખી શકતા વૈકલ્પિક ઈંધણ પણ મોંઘુ થતા ખાવાનું પણ મોંઘુ

રાજકોટ, : સિંગતેલ પ્રથમથી જ ઉંચાઈ પર લઈ જવાયું હતું અને તેમાં યુધ્ધની અસરથી પામતેલ,કપાસિયા તેલના ભાવમાં બેફામ વધારો થતા અને ઉપરથી કોમર્શીયલ ગેસનો ભાવ વધીને રૂ।.૨૦૦૦ને પાર થઈ જતા તેમજ ફરસાણ બનાવવા અન્ય ઈંધણ પણ મોંઘુ થતા હવે ગુજરાતીઓના પ્રિય એવા ફાફડાં અને વિવિધ ફરસાણોના ભાવમાં વધારાની શરુઆત થઈ છે. 

વેપારીઓનો સંપર્ક સાધતા જણાવ્યું કે સ્થિતિ બહુ ખરાબ છે, ફરસાણ મોટાભાગે કપાસિયા તેલમાં અને ફાફડાં ગાંઢિયા ઘણા વેપારીઓ સિંગતેલમાં તળે છે અને આ બન્ને તેલના ભાવ અસામાન્ય રીતે વધી ગયા છે, ઉપરાંત કોમ.ગેસના ભાવ વધવાની સાથે તે જરૂરિયાત મૂજબ મળતા નથી જેના પગલે હાલ પ્રારંભમાં ફાફડાં ગાંઠિયા અને અન્ય સેવ,પાપડી સહિત ફરસાણમાં કિલોએ રૂ।. 20થી 40નો વધારો અમલી કર્યો છે. કેટલાક વેપારીઓએ રૂ।. 50 વધાર્યા છે અને હજુ કેટલાક વધારી રહ્યા છે. ફરસાણના ધંધામાં પહેલેથી જ હરીફાઈમાં ટકવા વેપારીઓ મોટાભાગે ભાવવધારો ટાળતા હોય છે પણ હવે સ્થિતિ વણસી છે.  આ સાથે હોટલ-રેસ્ટોરાંમાં થાળીના ભાવ પણ વધ્યા છે. રાજકોટ,અમદાવાદ જેવા મહાનગરોમાં હજારો લોકો બહારગામથી આવતા હોય છે તેમજ અસંખ્ય વિદ્યાર્થીઓ હોટલ-રેસ્ટોરાં,મેસમાં જમતા હોય છે તેમને આ મોંઘવારીની સીધી અસર થાય છે. ગુજરાતમાં મગફળી, ચણા, ઘંઉ સહિત ભોજનની થાળી માટેની સામગ્રી પર્યાપ્ત માત્રામાં પેદા થવા છતાં લોકોના કમનસીબે ખાવાની વસ્તુઓ પણ મોંઘીદાટ થઈ રહી છે.